કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં 3 સપ્ટેમ્બરે નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે આજે જણાવ્યું કે, નિપાહ વાયરસથી સંક્રમિત 12 વર્ષના બાળકનું એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકના શરીરમાંથી નમૂના લેવાયા હતા, જેને પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં નિપાહ વાયરસની પુષ્ટિ થઈ હતી.


સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, દુર્ભાગ્યવશ છોકરાનું સવારે 5 વાગ્યે મોત થયું છે. તેની હાલત ગઈકાલ રાતથી જ નાજુર હતી. અમે ગઈકાલે રાતે એક ગ્રુપ બનાવ્યું હતું અને બાળકના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. બાળકના સંપર્કમાં આવેલા તમામ લોકોને આઈસોલેટ કરવા પગલા ભરવાનું શરૂ કરૂ દેવાયું છે.


કેરળમાં કોરોનાની શું છે સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29,682 કેસ અને 142 લોકોના મોત થયા છે. હાલ કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 2,50,619 છે. જ્યારે 39,09,096 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 21,422 લોકોના કોવિડથી મોત થયા છે.




કેરળમાં ક્યારે નોંધાયો હતો નિપાહ વાયરસનો કેસ


કેરળના કોઝિકોડમાં 19 મે, 2018ના રોજ નિપાહ વાયરસનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. 1 જૂન 2018 સુધીમાં આ સંક્રમણના 18 મામલા નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહના કારણે 12 લોકોના મોત બાદ વિશેષજ્ઞોએ ચામાચીડિયાના નમૂના એકત્ર કર્યા હતા. જે બાદ ફ્રૂટ બૈટ પ્રજાતિના ચામાચીડિયાને ઘાતક વાયરસના વાહક રૂપમાં ઓળખવામાં આવ્યા હતા.


ભારતમાં કોરોનાનું ચિત્ર


ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 38,399 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 4367 એક્ટિવ કેસ વધ્યા છે. રિકવરી રેટ 97.42 ટકા છે.



  • કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 88 હજાર 673

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ 38 હજાર 92

  • કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 10 હજાર 48

  • કુલ મોતઃ 4 લાખ 40 હજાર 533