Nirav Modi Extradition: ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ બ્રિટનમાં પ્રત્યાર્પણ સામેની કરેલી છેલ્લી અપીલ ગુરુવારે (15 ડિસેમ્બર)ના રોજ ફગાવી દેવામાં આવી છે. આ સાથે નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પંજાબ નેશનલ બેંક (PNB) માં મોટા પાયે છેતરપિંડી કરવામાં તેની કથિત સંડોવણી પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી 2018 માં ભારતથી ભાગી ગયો હતો.


છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં ટ્રાયલનો સામનો ન કરવા ઇચ્છતા નીરવ મોદીએ અપીલ કરી હતી જેની સામે લંડનની હાઇકોર્ટે યુકેની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીએ દલીલ કરી છે કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, નીરવ મોદીની અપીલ હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.


હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો 


લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જાહેર કરાયેલા ચુકાદામાં, લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ જણાવ્યું હતું કે અપીલકર્તા (નીરવ મોદી)ની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.


બેંક કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ભારતથી ભાગી ગયો હતો


ગયા મહિને, નીરવ મોદીએ યુકેની સુપ્રીમ કોર્ટમાં ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માટે યુકે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. માનસિક સ્વાસ્થ્યના આધારે પ્રત્યાર્પણ સામે 51 વર્ષીય હીરાના વેપારીની અપીલ નકારી કાઢવામાં આવ્યા બાદ આ અરજી આવી હતી. કોર્ટે આરોપીની આત્મહત્યાના જોખમની દલીલને ફગાવી દીધી હતી. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો પર્દાફાશ થતાં નીરવ મોદી ભારતથી ભાગી ગયો હતો.


ઘણા સમયથી પ્રત્યાર્પણનો પ્રયાસ ચાલી રહ્યો છે


નીરવ મોદી રૂપિયા 13,000 કરોડના PNB કૌભાંડનો મુખ્ય આરોપી છે. ભારતીય સત્તાવાળાઓ છેતરપિંડી, મની લોન્ડરિંગ, પુરાવાનો નાશ અને સાક્ષીઓને ડરાવવાના આરોપોનો સામનો કરવા માટે લાંબા સમયથી બ્રિટનમાંથી નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. CBI PNB પર મોટા પાયે અંડરટેકિંગ્સ (LoUs) અથવા લોન કરારો દ્વારા છેતરપિંડી માટે તપાસ કરી રહી છે, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તે છેતરપિંડીની આવકના લોન્ડરિંગની તપાસ કરી રહી છે.