નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ મામલે તમામ ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ જાહેર થયું છે. ચારેય દોષિતોને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. આજે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. ત્રીજી વખત આરોપીઓ સામે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.


નિર્ભયાની માતાએ શું કહ્યું
નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું, ત્રીજી વખત ડેથ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું તેને લઈ હું નાખુશ છું. અમે ખૂબ સંઘર્ષ કર્યો છે તેથી આખરે ડેથ વોરંટ જાહેર થયું તેનો સંતોષ છે. મને આશા છે કે ગુનેગારોને 3 માર્ચે ફાંસી આપવામાં આવશે.

ક્યારે-કયારે જાહેર થયું ડેથ વોરંટ?

આ પહેલા 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જે અંતર્ગત નિર્ભયાના ચારેય ગુનેગારો પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ અને અક્ષય સિંહને 1 ફેબ્રુઆરી સવારે 6 વાગે ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. તેની પહલા 7 જાન્યુઆરીએ ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનો આદેશ કર્યો હતો.

2012ની છે ઘટના

16 ડિસેમ્બર, 2012ની રાતે સાઉથ દિલ્હીમાં એક ચાલુ બસમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન મુકેશ, વિનય, અક્ષય કુમાર સિંહ, પવન ગુપ્તા, રામ સિંહ અને એક સગીરને આરોપી બનાવ્યા હતા.