નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના દોષિત વિનય શર્માની અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, તિહાડ જેલના રિપોર્ટ અનુસાર દોષિત વિનય શર્માની માનસિક સ્થિતિ સારી છે. તેને માનસિક સારવાર લેવાની જરૂર નથી.  પટિયાલા હાઉસ કોર્ટે તિહાડ જેલ  વહીવટીતંત્રને  નિર્ભયાના તમામ દોષિતોને મેડિકલ સારવાર આપવાનો આદેશ આપ્યો હતો.


અરજી પર સુનાવણી  દરમિયાન તિહાડ જેલ વહીવટીતંત્રએ કહ્યું કે, દોષિત વિનય શર્માએ જેલમાં પોતાના  માથાને ઇજા પહોંચાડી હતી. હાથમાં પણ ઇજા પહોંચી હતી. ડોક્ટરનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેલ વહીવટીતંત્રએ કહ્યુ કે, દોષિત વિનયની તબિયત એકદમ ઠીક છે. તેની સારવાર કોર્ટના આદેશ અનુસાર થઇ છે. વિનયને  કોઇ માનસિક બીમારી નથી. સુનાવણી દરમિયાન દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટને કહ્યું કે તિહાડના વહીવટીતંત્રએ આ  જાણકારી કેમ છૂપાવી ?


તિહાડ જેલના વકીલે કોર્ટમાં કહ્યું કે, વિનયના હાથમાં કોઇ ઇજા પહોંચી નથી. રેડિયોલોજિસ્ટે  રિપોર્ટ તૈયાર કરી છે. દોષિતોનું  દરરોજ ચેકઅપ કરવામાં  આવી રહ્યું છે. તિહાડ સુપ્રીટેન્ડેટની એ  જવાબદારી છે કે દોષિતોનું  મેડિકલ ચેકઅપ કરાવે. તમામ  દોષિતોની  માનસિક અને શારિરીક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.