નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે.




કેટલું છે ભાડું

સરકાર ટ્રમ્પના કાર્યક્રમને યાદગાર બનાવવા કોઇ કસર છોડવા નથી માંગતી. દિલ્હીમાં ટ્રમ્પ મૌર્યા હોટલમાં રોકાશે. મૌર્યા હોટલના પ્રેસિડેન્શિયલ ફ્લોર પર ચાણક્ય સુઇટ બુક કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ચાણક્ય સુઇટમાં એક રાત રોકવાનું ભાડું 8 લાખ રૂપિયા છે. આ સુઇટને 4600 સ્કવેર ફીટ એરિયામાં બનાવવામાં આવ્યો છે.



બારીમાં છે બુલેટ પ્રૂફ કાચ

તેમાં સ્પેશિયલ દરવાજો, સ્પીડથી ચાલતી એલિવેટર અને મહેમાનોની સુરક્ષા માટે કંટ્રોલ રૂમ છે. બારીમાં બૂલેટ પ્રૂફ કાચ લગાવવામાં આવ્યા છે. સુઇટમાં બે રૂમ, એક મોટો લિવિંગ રૂમ, 12 સીટનો ડાઇનિંગ રૂમ અને નાનું સ્પા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રેસિડેન્શિયલ સુઇટમાં ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ કરવાની વિશેષ સુવિધા છે.



કોણ કોણ રોકાઇ ચુક્યુ છે આ હોટલમાં

પ્રેસિડેન્શિયલ સુઇટમાં ટ્રમ્પ પહેલા પણ અનેક હસ્તીઓ રોકાઇ ચુકી છે. કિંગ અબ્દુલા, બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ, વ્લાદિમીર પુતિન, ટોની બ્લેયર, દલાઇ લામા જેવી હસ્તીઓ આ સુઇટમાં રોકાયા હતા. રિપોર્ટ પ્રમાણે મોર્યા હોટલ અમેરિકન રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાની આગેવાનીને યાદગાર બનાવવા માટે અંતિમ રૂપ આપી રહ્યું છે.