દિલ્હી હાઇકોર્ટમાં ડેથ વોરંટ પર સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપી શકાશે નહીં. સરકારી વકીલે દલીલ કરી હતી કે રાષ્ટ્રપતિ દ્ધારા દયા અરજી ફગાવ્યા બાદ પણ 14 દિવસનો સમય આપવો જરૂરી છે. નિર્ભયા કેસમાં દોષિત મુકેશે ડેથ વોરંટ રોકવા માટે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે દોષિત મુકેશ અને વિનયની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. આ સાથે મુકેશના વકીલોએ દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરી હતી જેમાં કહ્યુ હતું કે, અમારી દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે અને જ્યાં સુધી તેના પર કોઇ નિર્ણય નથી આવતો ત્યાં સુધી અમારી વિરુદ્ધ જાહેર કરાયેલ ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવે.
દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મુકેશના વકીલોએ સુપ્રીમ કોર્ટના જૂના આદેશને ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો પણ 14 દિવસનો સમય આપવો જોઇએ. જેના પર કોર્ટે સરકારી વકીલોને પૂછ્યું હતુ કે તમારુ આના પર શું કહેવું છે. સરકારી વકીલોએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે જે દિવસે રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવશે તે દિવસથી 14 દિવસનો સમય આપવામાં આવશે. આ સાથે જ એ વાત દોહરાવી હતી કે 22 તારીખના રોજ ફાંસી માટે ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે તે દિવસે ફાંસી થશે નહીં.