નવી દિલ્હીઃ આર્મી ડેના અવસર પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે સૈન્ય પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે આજે સવારે નેશનલ વોર મેમોરિયલ પહોંચીને શહીદનો શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર સૈન્યના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.


આર્મી ડેના અવસર પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આપણી સેના પોતાની વીરતા અને વ્યવસાયિકતા માટે ઓળખાય છે. તે પોતાની માનવીય ભાવના માટે સન્માનિત છે. જ્યારે પણ લોકોને મદદની જરૂર હોય છે આપણી સેના પહોંચીને તમામ સંભવ મદદ કરે છે. આ અગાઉ સૈન્ય દિવસની પૂર્વ સંધ્યા પર જવાનોને સંબોધિત કરતા આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું કે ભારતીય સૈન્ય ફક્ત એક ફાઇટર સંગઠન અથવા રાષ્ટ્રશક્તિનું સાધન નથી. દેશમાં તેનું એક મહત્વ વિશેષ સ્થાન છે. ચીન-પાકિસ્તાન સરહદ પર તૈનાત સૈનિકો અને કાશ્મીરમાં છદ્મ યુદ્ધ લડનારા સૈનિકોએ સતર્ક રહેવું જોઇએ. જવાનોની તમામ જરૂરિયાતોને કોઇ પણ કિંમત પર પુરી કરવામાં આવશે.

વર્ષ 1949માં આજના દિવસે ભારતના અંતિમ બ્રિટિશ કમાન્ડર ઇન ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરના સ્થાન પર તત્કાલિન લેફ્ટિનન્ટ જનરલ એમ.કરિયપ્પા ભારતીય સૈન્યના કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. કરિયપ્પા બાદમાં ફિલ્ડ માર્શલ પણ બન્યા હતા.


ભારતીય સૈન્યની રચના 1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોલકત્તામાં કરી હતી.ભારતીય આર્મીની શરૂઆત ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સૈન્ય ટૂકડીના રૂપમાં થઇ હતી. બાદમાં આ બ્રિટિશ ભારતી સેના બની અને પછી ભારતીય સૈન્યનું નામ આપવામાં આવ્યું. જનરલ મનોજ મુકુંદ નરવણેએ આર્મીના તમામ સૈનિકો, પરિવારો, ભારતીય સશસ્ત્ર દળ, ભૂતપૂર્વ સૈનિકો, વીર નારીઓને સેના દિવસની શુભકામના પાઠવી હતી.