નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં દોષિત પવન ગુપ્તાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ઘટના સમયે સગીર હોવાની પવનની અરજીને ફગાવતા કહ્યું કે, અરજી અને દલીલોમાં કાંઇ નવું નથી. સુપ્રીમ કોર્ટે માન્યું કે ઘટના સમયે પવન સગીર નહોતો. કોર્ટે દોષિતના વકીલને કહ્યું કે, જો તમે આ રીતે અરજીઓ દાખલ કરતા રહેશો તો આ અંતહીન પ્રક્રિયા થઇ જશે.  કોર્ટના આ આદેશની સાથે જ હવે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાનો રસ્તો સાફ થઇ ગયો છે. તમામ દોષિતોને એક ફેબ્રુઆરી સવારે છ વાગ્યે ફાંસી આપવામાં આવશે.


જસ્ટિસ ભાનુમતિના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે પવનની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. પવને સુપ્રીમ કોર્ટમાં આપેલી અરજીમાં કહ્યું હતું કે તે દિલ્હી હાઇકોર્ટમાં પણ આ વાત જણાવી ચૂક્યો છે પરંતુ હાઇકોર્ટે આ તથ્યને નજરઅંદાજ કર્યા હતા. દિલ્હી હાઇકોર્ટે સુનાવણીમાં આ દલીલને ફગાવતા પવનના વકીલ પર 25 હજાર રૂપિયાન દંડ પણ ફટકાર્યો હતો.


સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન પવન ગુપ્તાના વકીલ એપી સિંહે દલીલ આપી હતી કે ડિસેમ્બર 2012માં જ્યારે આ ઘટના  બની ત્યારે પવન ગુપ્તા સગીર હતો અને તેની દલીલને હાઇકોર્ટે ખોટી રીતે ફગાવી છે. આ મામલામાં સંબંધિત ઓથોરિટીને કહેવામાં આવે કે પવનને ફાંસી આપવામાં ના આવે.

પવનના વકીલે કહ્યું કે, પવનની જન્મતારીખ 8 ઓક્ટોબર 1996 છે અને આ રીતે ડિસેમ્બર 2012માં જ્યારે ઘટના બની ત્યારે તે સગીર હતો. આ માટે સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ દસ્તાવેજ નવા ફેક્ટ છે. જસ્ટિસ ભાનુમતિએ સવાલ કર્યો હતો કે આ દસ્તાવેજ 2017ના છે અને કોર્ટ ત્યાર સુધીમાં સજા આપી ચૂકી  હતી. એપી સિંહે કહ્યું કે, દિલ્હી પોલીસે જાણીજોઇને આ દસ્તાવેજને રેકોર્ડ પર રાખ્યા નહોતા અને આ કાવતરું છે. કોર્ટે ત્યારે સવાલ કર્યો હતો પરંતુ રિવ્યૂ પિટિશન પર સુનાવણી  દરમિયાન તમે આ સવાલ ઉઠાવ્યો હતો અને ફરીવાર સવાલ ઉઠાવી રહ્યા છો. ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે રિવ્યૂ પિટિશનની સુનાવણી દરમિયાન આ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ રિવ્યૂ પિટિશન 9 જૂલાઇ 2018ના રોજ ફગાવી દેવામાં આવી હતી.