નવી દિલ્હી: નિર્ભયાના ચારેય દોષીને ફાંસી બાદ નિર્ભયાના માતા-પિતાએ કહ્યું કે આજે તેમની દિકરીના ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું મહિલા સુરક્ષાને લઈને એક મોટી આશા જાગી છે. અમને ન્યાય મળ્યો છે.

દોષીઓને ફાંસી બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, અમને આ સમયની સાત વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, અમે ખુબ જ ખુશ છીએ. આજે ન્યાયનો દિવસ છે અને માત્ર અમારા માટે જ નહી પરંતુ સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આજે નિર્ભયા ખુશ થશે. એક દિકરી ત્યારે જ ખુશ થાય જ્યારે તેના માતા-પિતા ખુશ હોય.આજે તેની આત્માને શાંતિ મળી હશે. અમારી માંગ છે કે મહિલા સુરક્ષાને લઈને આ પ્રકારના કાયદા બને, જેનાથી કોઈ મા-બાપને આ રીતે રાહ ન જોવી પડે.



ફાંસી બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું, અંતે આજે તેમને ફાંસી આપવામાં આવી છે, આજનો દિવસ અમારી દિકરીના નામ અને દેશની મહિલાઓને નામ છે. જે રીતે દોષીઓ તરફથી અરજી કરવામાં આવી પરંતુ દેશની કોર્ટે તેને ફગાવી દીધી છે. આજનો દિવસ ખૂબ મોટો દિવસ છે. આપણા સંવિધાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ સંવિધાન અને કાયદાને કારણે જ આજે ન્યાય મળ્યો છે.દેશભરની મહિલાઓમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધશે.

દિલ્હીના નિર્ભયા દુષ્કર્મ કેસના દોષિતોને અપાયેલી ફાંસી બાદ તિહાડ જેલ બહાર લોકોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી હતી. દોષિતોને મળેલી ફાંસી બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયાની સાથે થયેલ ગેંગરેપ અને હત્યાના મામલે ચારેય દોષિતો મુકેશ સિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષય કુમાર સિંહ (31)ને શુક્રવારે સવારે સાડા પાંચ કલાકે ફાંસી આપવામાં આવી. જેલના મહાનિદેશક ગોયલ અનુસાર દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ તિહાર જેલમાં પ્રથમ વખત ચાર દોષિતોને એક સાથે ફાંસી આપવામાં આવી.