નવી દિલ્હીઃ નિર્ભયાના બળાત્કારી હત્યારાઓને પહેલી ફેબ્રુઆરીએ ફાંસીએ લટકાવવા માટે નીચલી કોર્ટે ડેથ વોરંટ જારી કરી દીધુ છે. જોકે હવે ફરી આ તારીખમાં ફેરફાર કરવામાં આવી શકે છે કેમ કે બે અપરાધીઓએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પીટીશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.


નિર્ભયા ગેંગરેપના બે દોષિત પવન અને અક્ષયની એક અરજી પર આજે એટલે કે શનિવારે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં સનાવણી થસે. બન્નેના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તિહાર જેલ દ્વારા હજુ સુધી ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા જેથી અક્ષય અને પવન માટે દયા અરજી અથવા ક્યૂરેટિવ પીટિશન ફાઈલ કરવામાં આવે.


દોષિતોના વકીલ એપી સિંહે આરોપ લગાવતા કોર્ટમાં અરજી કરી છે કે, જેલ પ્રશાસને હજુ સુધી દસ્તાવેજ સોંપ્યા નથી જેથી અક્ષય કુમાર સિંહ અને પવન સિંહ માટે ક્યૂરેટિવ પીટિશન દાખલ કરવા માટે જરૂરી છે. આ અરજી પર આજે સુનાવણી થવાની શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે હાલમાં જ બે અન્ય દોષિત વિનય કુમાર શર્મા અને મુકેશ સિંહની ક્યૂરેટિવ પીટિશન ફગાવી દીધી હતી. ચારેય દોષિતોને કોર્ટના આદેશ અનુસાર એક ફેબ્રુઆરીએ સવારે છ કલાકે ફાંસી આપવામાં આવશે.

16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની પેરામેડિકલની વિદ્યાર્થીનીની સાથે છ લોકોએ ગેંગરેપ કર્યો હતો અને તેના પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી.