નવી દિલ્હી: નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો સામે ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે.  દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર 2012ના  દિલ્હીમાં નિર્ભયા સાથે ગેંગરેપ થયો હતો. 29 ડિસેમ્બર 2012ના સારવાર દરમિયાન સિંગાપુરમાં તેનુ મોત થયું હતું.


દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી દોષિતોને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.

સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, 16-17 ડિસેમ્બર 2012ની રાત્રે પોતાના મિત્રો સાથે એક ખાનગી બસમાં ચડેલી 23 વર્ષિય પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે 6 લોકોએ ગેંગરેપ કર્યો અને વિદ્યાર્થીનીના મિત્રોને પણ ખુબ માર માર્યો. બાદમાં બંન્નેને મહિપાલપુરમાં રોડના કિનારે ફેંકી દીધા હતા. પીડિતાનું 29 ડિસેમ્બર 2012ના રોજ મોત થયું હતું.