નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારણે ઑટો સેક્ટરમાં આવેલી મંદી માટે ઓલા અને ઉબેરને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આજે મિલેનિયલ્સ દ્વારા વાહન ખરીદવાની જગ્યાએ ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે. ચેન્નઈમાં નાણામંત્રીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમ કહ્યું હતું. સીતારમણાના આ નિવેદન પર કૉંગ્રેસના મંત્રીએ નિશાન સાધ્યું છે.

નાણામંત્રીએ કહ્યું આજે ઑટો-મોબાઈલ ઇન્ડસ્ટ્રી BS6 સ્ટાન્ડર્ડ અને મિલેનિયલ્સના માઇન્ડ સેટથી સૌથી વધારે પ્રભાવિત છે. જે આજકાલ ગાડી ખરીદવાની જગ્યાએ ઓલા-ઉબરને મહત્વ આપી રહ્યા છે. નાણા મંત્રીએ કહ્યું કે ઑટોમોબાઈલ સેક્ટરની સ્થિતિ માટે ઘણા ફેક્ટર જવાબદાર છે, જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત મુદ્દાઓ અને લોકોનાં માઇન્ડસેટ સામેલ છે. સીતારમણે કહ્યું કે, 'આજકાલ લોકો ગાડી ખરીદીને EMI ભરવાથી વધારે ઓલા-ઉબરથી કામ ચલાવવાનું વધારે પસંદ કરે છે.' ઑટોમોબાઈલ સેક્ટરમાં ઘટી રહેલા વેચાંણ અને નોકરીને લઈને સીતારમણે કહ્યું સરકારી વિભાગમાં નવા વાહનો ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી છે.


નાણામંત્રીના આ નિવેદન પર કૉંગ્રેસે નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે કહ્યું કે,“બસ અને ટ્રકનું વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે કારણ કે લોકોએ પહેલાની જેમ ખરીદવાનું બંધ કરી દીધું છે. શું તે સાચું નથી નાણામંત્રી સીતારમણ ?”

ઉલ્લેખનીય છે કે ઑટો સેક્ટરમાં મંદીનાં કારણથી ઘરેલૂ બજારમાં ઑગષ્ટમાં વાહનોનાં વેચાણમાં 23.55 ટકા ઘટાડો નોંધાયો. ઑટો સેક્ટરમાં મંદીના કારણે દેશના વાહન ઉદ્યોગને છેલ્લા 21 વર્ષોમાં સૌથી ઓછા વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં 1997-98 બાદ ઓછું વેચાણ થયું છે.