નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંગળવારે ભાજપ અને અન્ય પક્ષના નેતાઓએ પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ શ્રદ્ધાંજલિ સભામાં અરૂણ જેટલીને યાદ કરતા વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. તેઓએ કહ્યું, “ક્યારેય નહોતું વિચાર્યું, એવો પણ દિવસ આવશે કે મારા મિત્રને શ્રદ્ધાંજલિ આપવી પડશે. ઘણા લાંબા સમય સુધીની અભિન્ન મિત્રતા તો પણ હું તેમના અંતિમ દર્શન પણ કરી ન શક્યો. મારા મનમાં આ બોઝ હંમેશા રહેશે.”


દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં પીએમ મોદી સિવાય ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત કૉંગ્રેસ, સપા, તૃણમૂલ, બસપા, ડીએમકે સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


પીએમ મોદીએ કહ્યું, તેઓ સર્વમિત્ર હતા, તે સૌના પ્રિય હતા અને તેઓ પોતાની પ્રતિભા, પુરષાર્થના કારણે જેના માટે જ્યાં પણ ઉપયોગી થઈ શકતા હતા ત્યાં તેઓ હંમેશા ઉપયોગી થતાં હતા. પીએમ મોદીએ કહ્યું કે અરુણ જેટલી પાર્ટી વ્યવસ્થાની બહાર રહ્યા નહોતા. ઘણીવાર અમારે કાર્યક્રમમાં બહાર રહેવું પડતું હતું. તે ઇચ્છતા હોત તો પાર્ટી કાર્યાલયથી બહાર પણ રહી શક્યા હોત. પરંતુ એમણે ક્યારેય એવું કરતા નહોતા. અમે જ્યારે પણ સાથે બહાર રહેતા તો એક રૂમમાં જ રહેતા હતા. અરુણ જેટલી યોગ્ય શબ્દોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા હતા. તેમની પાસે માહિતીનો ભંડાર હતો.

ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ 23 ઓગસ્ટે 66 વર્ષની ઉમંરમાં નિધન થઇ ગયું હતું.