નવી દિલ્હીઃ બળાત્કારના આરોપમાં પોલીસની ધરપકડથી બચી રહેલા અને દેશ છોડીને ભાગી ચૂકેલા નિત્યાનંદનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમણે દાવો કર્યો છે કે હવે તેમને કોઇ અડી પણ નહીં શકે અને કોઇ પણ અદાલત તેમને સજા પણ નહીં આપી શકે. સાથે જ તેમણે કહ્યું કે તે દુનિયાને સત્ય બતાવશે. તમને જણાવી દઇએ કે નિત્યાનંદ હાલ દેશથી ફરાર છે. આ વીડિયો 22 નવેમ્બરનો છે. નિત્યાનંદે આ વીડિયો ક્યાં બનાવ્યો છે તેની કોઇ સ્પષ્ટતા નથી મળી.

આ વીડિયોમાં નિત્યાનંદે કહ્યું કે જો તમે મારામાં નિષ્ઠા દેખાડો છો તો હું તમને વાસ્તવિકતા અને સત્યનો ખુલાસો કરીને મારી નિષ્ઠા દેખાડીશ. હવે મને કોઇ અડી પણ નહીં શકે. હું પરમ શિવ છું. સત્ય કહેવા માટે મારા પર કેસ નહીં કરી શકે, હું પરમ શિવ છું.


નોંધનીય છે કે, નિત્યાનંદ તાંત્રિક વિધીને નામે બાળકો સાથે શારીરિક સંબધો બાંધવાના આરોપ હતા. ઘણી યુવતીઓનું શારીરિક શોષણ કરવાનો પણ આરોપ લાગ્યા હતા.  બેંગલુરુમાં તેનો આશ્રમ છે અમદાવાદમાં પણ યોગીનીપીઠ્ઠમ નામના આશ્રમમાં તે યુવતીઓને ગોંધી રાખતો હતો. ત્યાંથી યુવતીઓને લઈને હાલ તે ત્રિનિદાદ નાસી ગયો છે.

ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે શુક્રવારના રોજ જણાવ્યું કે નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો છે. સાથે જ નવા પાસપોર્ટની અરજી પણ રદ્દ કરવામાં આવી છે. મંત્રાલયે વિદેશોમાં સ્થિત ઓફિસોમાં પણ નિત્યાનંદ મામલે એલર્ટ રહેવાનું કહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે નિત્યાનંદના દાવા ‘હિંદુ રાષ્ટ્ર કૈલાસા’ પર ટિપ્પણી કરવાની ના પાડી.

આ પહેલા એવી માહિતી આવી હતી કે સ્વયંભૂ બાબાએ ઇક્વાડોરની મદદથી દક્ષિણ અમેરિકામાં એક દ્વીપ ખરીદ્યો છે. જો કે ઇક્વાડોર દૂતાવાસે આ મામલે સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. સાથે જ તેમણે નિત્યાનંદને શરણ આપવાની વાત પણ નકારી છે. ઇક્વાડોરના પ્રવક્તાએ કહ્યું કે નિત્યાનંદે શરણ માંગ્યું હતું પણ અમે તેમની માંગણીનો અસ્વીકાર કર્યો હતો.