કોરોનાએ તમામ લોકોના જીવનને પૂરી રીતે બદલી નાંખ્યુ છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. લોકો કોરોના વેક્સિન લગાવીને ખુદને સુરક્ષિત કરી રહ્યા છે. પરંતુ તેની સાથે એવો પણ સવાલ પૂછી રહ્યા છે કે હવે માસ્ક પહેરવામાંથી ક્યારે છૂટ્ટી મળશે ? લોકો માસ્ક પહેર્યા વગર ફરવાની આઝાદી ક્યારે મળશે તે જાણવા માંગે છે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પૉલે આનો જવાબ આપ્યો છે.
ક્યાં સુધી પહેરવું પડશે માસ્ક
ડો. વીકે પૉલના કહેવા મુજબ, આગામી વર્ષ સુધી આપણે માસ્ક પહેરીને જ ફરવું પડશે. કોરોનાને હરાવવા મટે વેક્સિન, દવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. તેથી આગામી વર્ષે પણ ભારતમાં લોકોએ માસ્ક પહેરીને જ રહેવું પડશે. પૉલે આગામી તહેવારોને જોતાં ચેતવણી આપીને કહ્યું કે, ત્રીજી લહેરની સંભાવના હજુ ટળી નથી અને આગામી સમય જોખમી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઈ શું કહ્યું ડો. પૉલે
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, માસ્ક પહેરવાથી હજુ છૂટકારો નહીં મળે, હજુ થોડો સમય તો નહીં જ. આપણે આગામી વર્ષે પણ માસ્ક પહેરવાનું ચાલું રાખવું પડશે. આ ઉપરાંત ડો.પૉલે સૌથી વધુ પૂછવામાં આવતાં સવાલ શું ભારતમાં ત્રીજી લહેર આવશે ? તેનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું- આ વાતનો ઈનકાર કરી શકાય નહીં. આગામી ચાર-પાંચ મહિનામાં વેક્સિન દ્વારા હર્ડ ઈમ્યુનિટી બની શકે છે. આપણે મહામારીથી બચવા માટે ખુદને તૈયાર કરવા પડશે અને મને લાગે છે કે આપણે એક સાથે આવીશું તો શક્ય બનશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સતત પાંચમાં દિવસે કોરોના કેસમાં ઘટાડો થયો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 25,404 નવા કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે. જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
- કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 89 હજાર 579
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 84 હજાર 159
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 62 હજાર 207
- કુલ મોતઃ 4 લાખ 43 હજાર 213