NITI Aayog:  દેશમાં લોકો ભોજન પર ઓછા પૈસા અને કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે. નેશનલ સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટ્રી (NSO)ના રિપોર્ટ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતીય પરિવારોનો ઘરગથ્થુ ખર્ચ બમણાથી વધુ થયો છે. ઓગસ્ટ 2022 અને જૂલાઈ 2023 વચ્ચે કરવામાં આવેલા સર્વેક્ષણના આંકડામાં આ વાત કહેવામાં આવી છે. જો કે, સરકારે 2017-18ના સર્વેના આંકડામાં ગરબડ હોવાની વાત કરીને  જાહેર કર્યા ન હતા.


ડેટા અનુસાર, 2022-23માં શહેરી વિસ્તારોમાં સરેરાશ માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE) વધીને અંદાજે 6,459 રૂપિયા હતો. 2011-12માં તે 2,630 હતો. ગ્રામીણ ભારતમાં ખર્ચ 1,430 રૂપિયાથી વધીને અંદાજિત 3,773 રૂપિયા થયો છે. ભારતીય પરિવારો પ્રમાણમાં ખોરાક પર ઓછો ખર્ચ કરે છે. તેઓ કપડાં, ટીવી અને મનોરંજન જેવા માધ્યમો પર વધુ ખર્ચ કરી રહ્યા છે. આ ડેટા કુલ 2,61,746 ઘરોના સર્વેમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. તેમાંથી 1,55,014 ઘર ગામડાઓમાં અને 1,06,732 ઘર શહેરી વિસ્તારોના છે.


ભોજનનો ખર્ચ 1,750 રૂપિયા


ગામડાઓમાં ભોજન પર માથાદીઠ માસિક ખર્ચ 1,750 રૂપિયા અને શહેરોમાં 2,530 રૂપિયા હતો. ગામડાઓમાં દૂધ અને તેના ઉત્પાદનો પર સરેરાશ માસિક ખર્ચ 314 રૂપિયા અને અનાજ પર 185 રૂપિયા હતો. શહેરોમાં આના પર 466 રૂપિયા અને 235 રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ ડ્રિંક્સ અને પ્રોસેસ્ડ વસ્તુઓ પરનો ખર્ચ તેનાથી પણ વધુ થઈ ગયો છે. માથાદીઠ સરેરાશ માસિક ખર્ચ ગામડાઓમાં  363 રૂપિયા અને શહેરોમાં 687 રૂપિયા છે.


ગામડાઓમાં ભોજનનો હિસ્સો ઘટીને 46.4 ટકા થયો છે


ગામડાઓમાં માસિક વપરાશમાં ભોજનનો હિસ્સો ઘટીને 46.4 ટકા થયો છે. 2011-12માં તે 53 ટકા હતો. બિન-ખાદ્ય વપરાશ 47 ટકાથી વધીને 53.6 ટકા થયો છે. શહેરી વિસ્તારોમાં ભોજનનો હિસ્સો 42.6 ટકાથી ઘટીને 39.2 ટકા થયો છે.                                                                                                  


સર્વેની મુખ્ય વાતો 


શહેરોમાં નોન-ફૂડ આઇટમ્સ પર માથાદીઠ માસિક ખર્ચ રૂ. 3,929 હતો. ગામડાઓમાં બિન-ખાદ્ય ચીજવસ્તુઓ સિવાય સૌથી વધુ ખર્ચ 285 રૂપિયા પ્રવાસ અને 269 રૂપિયા મેડિકલ પર કરવામાં આવે છે.