Nitin Gadkari Exclusive Interview: ઇથેનોલ પેટ્રોલને લઈને પર દેશવ્યાપી ચર્ચા શરૂ થઈ છે. ઓનલાઈન એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે E20 પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે અને ઇંધણ માઇલેજ ઘટાડી શકે છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાઓમાં કેટલું સત્ય છે તેના પર કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જવાબ આપ્યો હતો. એબીપી ન્યૂઝને આપેલા ખાસ ઈન્ટરવ્યૂમાં તેમણે આ મુદ્દા પર વિસ્તૃત વાતચીત કરી હતી અને સાથે જ પરિવારના સભ્યોને ફાયદો પહોંચાડવાના આરોપો પર જવાબ આપ્યો હતો. 

Continues below advertisement

Continues below advertisement

નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી સતત આ વાતને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક રિપોર્ટ્સ આવ્યા છે જેમાં ઈથેનોલ ઈંધણથી ચાલતા વાહનોની ઇંધણ કાર્યક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડવા માટે ઇથેનોલનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આત્મનિર્ભરતા ભારતના વિકાસનો મંત્ર છે.

ઇથેનોલ પર ગડકરીના જવાબ

દેશમા ઇથેનોલથી મિશ્રિત ઇંધણ અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અનેક દાવાઓના જવાબો આપ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇથેનોલ અંગે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે તેમના પુત્ર નિખિલ ગડકરીની કંપનીને લઈને કરવામાં આવી રહેલા દાવાઓ પર પણ કડક વલણ અપનાવ્યું હતું, માનહાનિનો દાવો દાખલ કરવાની ધમકી આપી હતી.

ઇથેનોલ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું હતું કે શહેરોમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનું માઇલેજ નિયમિત પેટ્રોલ જેટલું જ રહે છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે હાઈવે પર માઈલેજમાં ખોટો ઘટાડો થઈ શકે છે કારણ કે ઈથેનોલની કેલરિક વેલ્યૂ પેટ્રોલથી ઓછું હોય છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તથ્યો વિના અભિપ્રાય ન આપે.

ગડકરીએ કહ્યું હતું કે, "મારા પુત્ર નિખિલ ગડકરીની કંપનીના આવક અને નફાને લઈને જે આંકડા આપવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. જ્યાંથી પણ તમે આ આંકડાઓ લીધા છે પછી તે ગૂગલમાંથી જ કેમ ના લીધા હોય, જો તેનું પુનરાવર્તન કરવામાં આવશે, તો હું માનહાનિનો કેસ દાખલ કરીશ અને તેને કોર્ટમાં લઈ જઈશ."

તેમણે કહ્યું કે "આત્મનિર્ભર ભારત" મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું અને તે દ્રષ્ટિકોણને આગળ ધપાવતા સરકાર આયાત ઘટાડવા અને સ્વદેશી વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓ અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે.

કંપની નુકસાનની ભરપાઈ કરશે.

ગડકરીએ ખાતરી આપી હતી કે જો વોરન્ટી સમયગાળા દરમિયાન ઇથેનોલથી કોઈ વાહનને નુકસાન થાય છે તો ડીલર અને કંપની જવાબદાર રહેશે. તેમણે કહ્યું, "જો કોઈ નુકસાન થાય છે તો કંપની તેનું રિપેરીંગનો ખર્ચ ઉઠાવશે. જો ગ્રાહકો સંતુષ્ટ ન હોય તો તેઓ આ મામલો ગ્રાહક કોર્ટમાં પણ લઈ જઈ શકે છે."

તેમણે જણાવ્યું હતું કે તેમને અત્યાર સુધી ઇથેનોલ સંબંધિત કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. સોશિયલ મીડિયા પર 53 વીડિયો સામે આવ્યા છે, જેમાંથી ઘણામાં ગેરમાર્ગે દોરતી માહિતી છે. તેમણે લોકોને મંત્રાલયની વેબસાઇટ પર ફરિયાદો સબમિટ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે હું વ્યક્તિગત રીતે ફરિયાદોની તપાસ કરીશ." 

ગડકરીએ ઇથેનોલને માત્ર બળતણ નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતનો વિષય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ પહેલ પ્રદૂષણ ઘટાડવા, ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશને આત્મનિર્ભર બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમના મતે "ઇથેનોલનો મુદ્દો રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલો છે. સ્વદેશી, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રવાદ તેનો મંત્ર છે."

પ્રદૂષણના મુદ્દા પર ગડકરીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "અમારું લક્ષ્ય દેશને પ્રદૂષણમુક્ત બનાવવાનું છે. ઇથેનોલથી કોઈપણ પ્રદૂષણ થતું નથી. તેમણે તેને સ્વચ્છ ઉર્જા અને ગ્રીન ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગડકરીએ સ્વીકાર્યું હતું કે એક્સપ્રેસ વે પર ડ્રેનેજ સિસ્ટમ હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ નથી. આ જ કારણ છે કે વરસાદની ઋતુમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને ખાડા પડવા એક સમસ્યા બની ગયા છે.

અંતમાં ગડકરીએ પુનરોચ્ચાર કર્યો કે રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવતી પહેલ રાજકીય કે ભ્રામક પ્રચારનો ભોગ ન બનવી જોઈએ. તેમણે કહ્યું કે તથ્યોના આધારે ચર્ચા થવી જોઈએ. કારણ કે ઇથેનોલ, આત્મનિર્ભર ભારત અને ખેડૂતોની સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલા મુદ્દાઓ છે.