Nitish Kumar Bihar CM: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ NDA માં સરકાર રચવાની કવાયત તેજ બની છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ હજુ પણ બરકરાર છે. NDA ના પાંચ ઘટક પક્ષોમાંથી ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા જેવા દિગ્ગજ નેતાઓ નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે સમર્થન આપી ચૂક્યા છે. સોમવારે (17 નવેમ્બર) નીતિશ કુમારે રાજીનામું ન આપીને રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. એક તરફ પપ્પુ યાદવ મહાગઠબંધન વતી નીતિશને 'ઘર વાપસી'ની ઓફર કરી રહ્યા છે, તો બીજી તરફ ભાજપનું દિલ્હી હાઈકમાન્ડ મૌન છે. આ સ્થિતિમાં ભાજપ માટે નીતિશ કુમાર એક જરૂરિયાત અને મજબૂરી બંને બની ગયા છે. અહીં અમે ભાજપ પાસે રહેલા 4 મુખ્ય વિકલ્પો અને વર્તમાન રાજકીય ગણિતનું વિશ્લેષણ કરીશું.
રાજીનામું અટક્યું અને તર્ક-વિતર્ક શરૂ થયા
નીતિશ કુમારે 17 નવેમ્બરે રાજ્યપાલને મળ્યા બાદ પણ રાજીનામું ન આપતા અનેક અટકળો શરૂ થઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું નીતિશ કુમારને ભાજપની કોઈ ગુપ્ત રણનીતિનો ડર સતાવી રહ્યો છે? આ દરમિયાન, સાંસદ પપ્પુ યાદવે બળતામાં ઘી હોમતા કહ્યું હતું કે, "નીતિશ કુમારની કૃપાથી જ ભાજપ 89 બેઠકો પર અટકી ગયું છે, નહીંતર તેમનો ટાર્ગેટ 105 પાર કરવાનો હતો." પપ્પુ યાદવે તો ત્યાં સુધી કહ્યું કે નીતિશ કુમાર મહાગઠબંધનમાં પાછા ફરી શકે છે. આ નિવેદનો બાદ સવાલો ઉભા થયા છે કે શું નીતિશ કુમારને ગઠબંધનમાં અવિશ્વાસનો અનુભવ થઈ રહ્યો છે? JDU ધારાસભ્ય દળની બેઠક મુલતવી રાખવી અને 19 નવેમ્બર સુધી રાહ જોવી એ કોઈ રણનીતિનો ભાગ હોઈ શકે છે.
દિલ્હીનું મૌન અને પટનામાં હલચલ
NDA ના સાથી પક્ષોએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને જીતન રામ માંઝી ખુલીને નીતિશ કુમારની પડખે છે. બિહાર ભાજપના નેતા વિજય સિંહાએ પણ સમર્થન જાહેર કર્યું છે. જોકે, સસ્પેન્સનું મુખ્ય કારણ દિલ્હીના નેતૃત્વનું મૌન છે. વડાપ્રધાનના નિવાસસ્થાને 3 કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ પણ કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી. પટણામાં નીતિશ નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલુ છે, પણ નિર્ણય અકબંધ છે.
નીતિશ કુમાર કેમ અનિવાર્ય છે?
નીતિશ કુમારને સાઈડલાઈન કરવા ભાજપ માટે સરળ નથી, તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
નેતૃત્વ અને જનાદેશ: NDA એ આ ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડી હતી. તેમની 'સુશાસન બાબુ' તરીકેની ઈમેજ જનાદેશ મેળવવામાં મહત્વની રહી છે.
સીટનું સમીકરણ: ભલે ભાજપ 89 બેઠકો સાથે મોટી પાર્ટી બની હોય, પરંતુ JDU એ પણ શાનદાર વાપસી કરીને 85 બેઠકો મેળવી છે. બંને વચ્ચે માત્ર 4 બેઠકોનું અંતર છે, જે નીતિશનું કદ દર્શાવે છે.
કેન્દ્ર સરકારની સ્થિરતા: કેન્દ્રમાં મોદી સરકારની સ્થિરતા માટે JDU ના 12 સાંસદોનો ટેકો અત્યંત મહત્વપૂર્ણ છે. ભાજપ બિહારમાં કોઈ એવું પગલું ભરવા માંગશે નહીં જેની અસર દિલ્હીની સત્તા પર પડે.
ભૂતકાળનો દાખલો: ગત ચૂંટણીમાં નીતિશ પાસે માત્ર 43 બેઠકો હતી અને ભાજપ પાસે 74 હતી, છતાં ભાજપે નીતિશને જ મુખ્યમંત્રી બનાવ્યા હતા. અત્યારે તો JDU બમણી તાકાત સાથે પાછું ફર્યું છે.
ભાજપ પાસે હવે કયા 4 વિકલ્પો છે?
વર્તમાન પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર રચવા અને ગઠબંધન ધર્મ નિભાવવા માટે નીચે મુજબના ચાર મુખ્ય વિકલ્પો દેખાઈ રહ્યા છે:
પાવર શેરિંગ: નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ સોંપવું, પરંતુ બદલામાં સરકારમાં મહત્વના અને શક્તિશાળી મંત્રાલયો (જેમ કે ગૃહ કે નાણાં) ભાજપ પોતાની પાસે રાખે.
નિવૃત્તિની રાહ: નીતિશ કુમારને અત્યારે મુખ્યમંત્રી બનાવવા અને તેઓ સામેથી સન્માનજનક નિવૃત્તિ જાહેર કરે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી.
રોટેશનલ ફોર્મ્યુલા: નીતિશ કુમારની નિવૃત્તિ બાદ અથવા કાર્યકાળના મધ્યમાં અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવી.
લાંબા ગાળાની રણનીતિ (2029): અત્યારે નીતિશના નેતૃત્વમાં સરકાર ચલાવવી અને 2029 સુધી ધીરજ રાખીને પક્ષને એટલો મજબૂત કરવો કે ભવિષ્યમાં ભાજપ એકલા હાથે સંપૂર્ણ બહુમતી મેળવી શકે.