PM Modi Macaulay speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત રામનાથ ગોએન્કા વ્યાખ્યાન દરમિયાન અંગ્રેજ અધિકારી થોમસ બેબિંગ્ટન મેકોલેની શિક્ષણ નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મેકોલેએ ભારતની પરંપરાગત શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરીને દેશમાં ગુલામીની માનસિકતાના બીજ રોપ્યા હતા, જેના પરિણામો દેશે સદીઓ સુધી ભોગવ્યા. પીએમ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે કે વર્ષ 2035 માં જ્યારે મેકોલેની શિક્ષણ પ્રણાલીના અમલીકરણને 200 વર્ષ પૂર્ણ થશે, તે પહેલાં આગામી 10 વર્ષમાં આપણે ભારતને આ હીન ભાવના અને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો દ્રઢ સંકલ્પ લેવો પડશે.

Continues below advertisement

'મેકોલેએ આપણો આત્મવિશ્વાસ તોડી નાખ્યો'

પીએમ મોદીએ ભારતીય ઇતિહાસના કાળા પ્રકરણને યાદ કરતા કહ્યું કે, ભારતની મૂળ શિક્ષણ પ્રણાલી કૌશલ્ય અને સંસ્કૃતિ પર આધારિત હતી, જે આપણને આપણા વારસા પર ગર્વ કરતા શીખવતી હતી. પરંતુ મેકોલેએ જાણીજોઈને ભારતની આ શિક્ષણ વ્યવસ્થાની કમર તોડી નાખવાનું કાવતરું ઘડ્યું અને તેમાં સફળ પણ થયા. તેમણે ભારતીયોમાં હીનતાની ભાવના (inferiority complex) પેદા કરી અને આપણો આત્મવિશ્વાસ તોડી નાખ્યો. એક જ ઝાટકે આપણી જીવનશૈલીને નકામી ગણાવી દેવામાં આવી અને એવું ઠસાવવામાં આવ્યું કે પ્રગતિ કરવા માટે વિદેશી પદ્ધતિઓ જ શ્રેષ્ઠ છે.

Continues below advertisement

આઝાદી પછી પણ 'વિદેશી મોડેલ'નો મોહ

વડાપ્રધાને ખેદ વ્યક્ત કરતા કહ્યું કે આઝાદી મળ્યા પછી પણ આ ગુલામીની માનસિકતા વધુ મજબૂત બની હતી. મહાત્મા ગાંધીએ જે 'સ્વદેશી' વિચારધારાને આઝાદીનો પાયો બનાવી હતી, તેને કાળક્રમે અપ્રસ્તુત કરી દેવામાં આવી. આપણે આપણા ગૌરવને ભૂલીને શાસન વ્યવસ્થાથી લઈને નવીનતા (Innovation) સુધી દરેક બાબતમાં વિદેશી મોડેલની નકલ કરવા લાગ્યા. આ માનસિકતાને કારણે જ દેશમાં આયાતી વિચારો, વસ્તુઓ અને સેવાઓને સ્વદેશી કરતા શ્રેષ્ઠ માનવાની વૃત્તિ ઉભી થઈ છે.

વારસા પ્રત્યેની ઉદાસીનતા

ઐતિહાસિક ધરોહર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં જે દેશો પોતાના ઈતિહાસ અને વારસા પર ગર્વ કરે છે, ત્યાં જ પર્યટન ઉદ્યોગ ખીલે છે. પરંતુ ભારતમાં આનાથી વિપરીત થયું છે. સ્વતંત્રતા બાદ આપણા વારસાનું અપમાન કરવાના પ્રયાસો થયા. જ્યારે આપણને આપણા સ્થાપત્યો કે ઇતિહાસ પર ગર્વ જ નથી હોતો, ત્યારે તેનું જતન પણ થતું નથી. પરિણામે, આપણે આપણી અમૂલ્ય ધરોહરને માત્ર ઈંટ અને પથ્થરના ખંડેર ગણીને તેની ઉપેક્ષા કરી છે.

ભાષા અને શિક્ષણ નીતિ પર સ્પષ્ટતા

જાપાન, ચીન અને કોરિયા જેવા દેશોના ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આ રાષ્ટ્રોએ આધુનિકતા અપનાવી હોવા છતાં પોતાની ભાષા જાળવી રાખી છે. પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે, "અમને અંગ્રેજી ભાષા સામે કોઈ જ વાંધો નથી, પરંતુ અમે અમારી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા અને સ્થાનિક ભાષાઓને પ્રાધાન્ય આપ્યું છે."

2035 નો લક્ષ્યાંક

અંતમાં વડાપ્રધાને એક મહત્વપૂર્ણ ટાઈમલાઈન આપતા કહ્યું કે, 1835 માં મેકોલે દ્વારા જે શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી, તેને 2035 માં 200 વર્ષ પૂરા થશે. આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેથી, રાષ્ટ્ર માટે એ જરૂરી છે કે આગામી 10 વર્ષોનો ઉપયોગ આપણે મેકોલેએ લાદેલી ગુલામીની માનસિકતાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કરીએ અને ફરીથી વિશ્વમાં આત્મવિશ્વાસ સાથે ઉભા રહીએ.