Nitish Kumar Record of Taking Oath As CM: બિહારમાં રાજકીય સમીકરણ સાથે સત્તા બદલાઈ છે, પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો ફરી નીતિશ કુમાર છે. નીતીશ કુમારે NDA સાથેના સંબંધો તોડી નાખ્યા અને બુધવારે 8મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશ કુમારે કેટલાક મતભેદોને કારણે ભાજપની આગેવાની હેઠળના એનડીએ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. સાથે જ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળી નવી સરકાર બનાવી હતી. નીતીશ કુમારે બુધવારે શપથ લીધા ત્યારે તેમના નામે એક રેકોર્ડ પણ બની ગયો છે.
નીતિશ કુમાર વર્ષ 2000માં પહેલીવાર 7 દિવસ માટે બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. છેલ્લા 22 વર્ષમાં અત્યાર સુધીમાં તેમણે કુલ આઠ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
સૌથી વધુ વખત શપથ લેવાનો રેકોર્ડ નીતીશના નામે છે
નીતિશ કુમારે 10 ઓગસ્ટના રોજ રેકોર્ડ આઠમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી પણ આટલી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શક્યા નથી. સૌથી લાંબો સમય સીએમ રહેવાના મામલે નીતિશ ભલે પાછળ હોય, પરંતુ સૌથી વધુ વખત શપથ લેવાના મામલે તેઓ અનોખો રેકોર્ડ ધરાવે છે.
1. વીરભદ્ર સિંહ
હિમાચલના મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્ર સિંહ 6 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 1983માં પહેલીવાર સીએમ બનેલા વીરભદ્ર સિંહે 1985માં બીજી વખત સીએમ તરીકે શપથ લીધા હતા. આ સિવાય વીરભદ્ર સિંહ 1993, 1998, 2003 અને 2012માં પણ સીએમ બન્યા હતા.
2. જયલલિતા
તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વર્ગીય જે. જયલલિતા પણ 6 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે. 1991માં પહેલીવાર સીએમ બનેલા જયલલિતાને બીજી વખત સીએમ બનવા માટે લાંબી રાહ જોવી પડી હતી. 2001માં તેઓ બીજી વખત સીએમ બન્યા હતા. આ પછી તેઓ 2002, 2011, 2015 અને 2016માં તમિલનાડુના સીએમ રહ્યા હતા. જયલલિતા ભ્રષ્ટાચારના ઘણા મામલામાં ફસાયા હતા, તેથી તેમણે ઘણી વખત આ પદ છોડવું પડ્યું હતું.
3. પવન કુમાર ચામલિંગ
દેશના સૌથી લાંબા સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ સિક્કિમના પવન કુમાર ચામલિંગના નામે છે. ચામલિંગ સતત 5 વખત મુખ્યમંત્રી રહ્યા. તેઓ 1994માં પ્રથમ વખત સીએમ બન્યા, ત્યારબાદ તેઓ 1999, 2004, 2009 અને 2014 સુધી સતત ચૂંટણી જીતીને સીએમ બન્યા. ચામલિંગ કુલ 28 વર્ષ સુધી સીએમ હતા, જે એક રેકોર્ડ છે.
4. જ્યોતિ બસુ
ચામલિંગ પહેલા સૌથી વધુ સમય સુધી સીએમ રહેવાનો રેકોર્ડ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુના નામે હતો. બસુ 1977 થી 2000 સુધી સતત બંગાળના મુખ્યમંત્રી રહ્યા. જો કે આ દરમિયાન તેઓ પણ માત્ર પાંચ વખત સીએમ તરીકે શપથ લઈ શક્યા હતા.
5.ગેગોંગ અપાંગ
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ગેગોંગ અપાંગ પણ 5 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચુક્યા છે. અપાંગ 1980માં પ્રથમ વખત સીએમ બન્યા હતા. જે બાદ અપાંગ 1985, 1990 અને 1995માં સીએમ બન્યા હતા. અપાંગ 2004માં ફરી પાંચમી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
6. નવીન પટનાયક
ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી નવીન પટનાયક પણ પાંચ વખત મુખ્યમંત્રી (CM) બની ચૂક્યા છે. નીતિશની જેમ પહેલીવાર નવીન પટનાયકે વર્ષ 2000માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારથી તેઓ ઓડિશામાં મુખ્યમંત્રી રહ્યા છે.