નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે જે પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તેઓને ફીની 100 ટકા સ્કોલરશિપ મળશે એટલે કે આવા લોકો જેટલી ફી જમા કરશે તેટલા રૂપિયા સ્કોલરશીપ રૂપમાં પાછા મળી જશે.


જ્યારે જે વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક ઇનકમ એક લાખ રૂપિયાથી અઢી લાખ રૂપિયા છે તેઓની ફીની 50 ટકા રકમ સ્કોલરશીપના રૂપમાં પાછી મળશે. તે સિવાય જે પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી લઇને છ લાખ રૂપિયા સુધીની છે તેઓને ફીની 25 ટકા રકમ સ્કોલરશીપના રૂપમાં મળશે. દિલ્હી સરકારના આ નિર્ણયથી ગરીબ વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ રાહત મળશે.

તે સિવાય સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સીબીએસઇ બોર્ડની ફી આપવી નહી પડે. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને 1500 રૂપિયા સીબીએસઇ બોર્ડની ફી આપવી પડતી હતી. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં 12મા ધોરણમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ દરમિયાન સિસોદિયાએ આ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુખ્ય અતિથિ રહ્યા હતા.