નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે વકીલો વિરુદ્ધ કાર્યવાહી પર પોતાના વલણને ન બદલતા દિલ્હી પોલીસને ઝટકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, વકીલો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવી જોઇએ નહીં. તે સિવાય દિલ્હી પોલીસની બીજી અરજીને ફગાવી દીધી છે. જેમાં સાકેત કોર્ટની ઘટના પર એફઆઇઆર દાખલ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું કે, 3 નવેમ્બરના આદેશમાં સ્પષ્ટીકરણની કોઇ જરૂર નથી કારણ કે તે પોતાનામાં સ્પષ્ટ ઘટના છે. ચીફ જસ્ટિસ  ડીએન પટેલ અને જસ્ટિસ સી.હરિશંકરે 3 નવેમ્બરના આદેશ પર સ્પષ્ટીકરણ માંગતી અરજીને ફગાવતા કહ્યું કે, આદેશમાં પોતાની રીતે જ સ્પષ્ટ છે. કેન્દ્રએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, 3 નવેમ્બરનો આદેશ તીસહજારી મામલા બાદની ઘટનાઓમાં લાગુ થવો જોઇએ નહીં.


વાસ્તવમાં 3 નવેમ્બરના આદેશ બાદ દિલ્હીની સાકેત કોર્ટ બહાર સોમવાર અને મંગળવારે એક ઓન ડ્યૂટી પોલીસ ઓફિસર અને એક સિવિલિયન સાથે વકીલોએ મારપીટ કરી હતી. આ સંબંધમાં પોલીસે બે અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે. હાઇકોર્ટે દિલ્હી પોલીસની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં સાકેત કોર્ટની ઘટનાના સંબંધમાં વકીલો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની મંજૂરી માંગી હતી.

સુનાવણીમાં વકીલો તરફથી દિલ્હી પોલીસ પર નવા આરોપ લગાવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સીનિયર પોલીસ અધિકારીઓએ વકીલો માટે ખોટી ભાષાનો ઉપયોગ કર્યો હતો જેના પર એક્શન લેવામાં આવે. વકીલ પક્ષે એ વકીલને ઓળખવાનો ઇનકાર કર્યો જેનો વીડિયો વાયરલ થયો છે. વકીલ પક્ષે કોર્ટમાં આરોપ લગાવ્યો કે પોલીસ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરી રહી છે.