નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ પાંચ એપ્રિલ એટલે કે આજે રાત્રે નવ વાગ્યાને નવ મિનિટ સુધી પોતાની ઘરની લાઇટ્સ બંધ રાખવા કહ્યું છે. પાવર મિનિસ્ટ્રી એ આશંકાઓને લઇને જવાબ આપ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે, દેશભરમાં લાઇટ્સ બંધ થવાથી ગ્રિડમાં અસ્થિરતા અને વોલ્ટેજમાં તીવ્રતા ઘટાડો- વધારો થશે જેથી ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થઇ શકે છે. આ તમામ આશંકાઓને ખોટી રીતે વ્યક્ત કરવામાં આવી છે.




ભારતની ઇલેક્ટ્રિસિટી ગ્રિડ ખૂબ સારી અને સ્થિર હાલતમાં છે અને આ માટે પર્યાપ્ત વ્યવસ્થા  અને પ્રોટોકોલ છે જે માંગમાં થનારા ફેરફારને સંભાળવા માટે સક્ષમ છે. મંત્રાલયે કહ્યુ કે, વડાપ્રધાન મોદીએ રાત્રે નવ વાગ્યે લાઇટ્સ બંધ કરવા કહ્યુ છે નહી કે સ્ટ્રીટ લાઇટ, ટીવી, પંખા, રેફ્રિજરેટર, એસી સહિતના ઘરેલુ ઉપકરણો બંધ કરવાનું કહ્યું નથી. લોકોએ ફક્ત લાઇટ બંધ કરવી જોઇએ.



ભારત સરકારના ઉર્જા મંત્રાલયે કહ્યુ કે, સાથે આ દરમિયાન તમામ અન્ય જરૂરી સેવાઓ જેવી કે સાર્વજનિક ઉપયોગવાળી જગ્યાઓ , મ્યુનિસિપલ સર્વિસ, કાર્યાલયો, પોલીસ સ્ટેશન, ઉત્પાદન સુવિધાઓ સહિતની લાઇટ્સ ચાલુ રહેવી જોઇએ કારણ કે વડાપ્રધાન મોદીએ ફક્ત પોતાના ઘરની લાઇટ્સ બંધ કરવા કહ્યું છે.