નવી દિલ્હી:  ભારતમાં જીવલેણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને  3072 પર પહોંચી છે. જ્યારે  અત્યાર સુધીમાં 75 લોકોનાં મોત થયા છે.  213 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. ગઈકાલે 12 લોકોના મોત થયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 601 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓનો સર્વાધિક આંકડો છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેટલાક મામલામાંથી 1023 કેસ એટલે કે 30 ટકા કેસ તબ્લીગી જમાત સાથે જોડાયેલા છે. તબ્લીગી જમાત સાથે જોડાયેલા 22 હજાર જેટલા લોકોને ક્વોરન્ટાઈ કરવામાં આવ્યા છે.



કયા રાજ્યમાં કેટલા મોત ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડના અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 19 લોકોનાં મોત થયા છે. જ્યારે બીજા નંબરે ગુજરાત છે. અહીં 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય તેલંગણામાં 7, દિલ્હીમાં 6, પંજાબમાં 5, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં 3-3, ઉત્તર પ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં 2-2 અને આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુમાં 1-1 મોત થઈ છે.
અત્યાર સુધી દેશમાં કુલ 75 હજાર ટેસ્ટ થઈ ચૂક્યા છે. દેશમાં 182 લેબમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હવે દરરોજ લગભગ હજાર ટેસ્ટ થઈ રહ્યાં છે.

સુત્રોની જાણકારી મુજબ કોવિડ19 કેસનો અંત એપ્રિલના અંત અને મેના પ્રથમ સપ્તાહ સુધીમા આવી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે ભારતમાં આંકડો યૂરોપ અથવા અન્ય દેશોની જેમ ખૂબ વધારે જવાની સંભાવના નથી.

ગૃહમંત્રાલયે કાલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (SDRMF)થી રાજ્યોને 11,092 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેથી ક્વોરન્ટાઈન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા સરળતાથી કરી શકાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યોને SDRMF હેઠળ રૂપિયા ફાળવ્યા છે. જેનાથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે.