નવી દિલ્હીઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શુક્રવારે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. મહારાષ્ટ્ર તરફથી મધ્યપ્રદેશને ઓક્સિજન સપ્લાય રોક્યા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લેટર લખીને કહ્યું હતું કે, મેડિકલ ઓક્સિજનના મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં ના આવે. કોરોનાના ગંભીર દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે અને આવા દર્દીઓનો જીવ બચાવવા માટે ઓક્સિજન જરૂરી છે.





કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એ સુનિશ્વિત કરવા કહ્યુ હતું કે, પરસ્પર ઓક્સિજનની સપ્લાય રોકવામાં ના આવે. આ સાથે એમ પણ કહ્યુ હતુ કે, હોસ્પિટલોમાં ભરતી તમામ કોવિડ-19 દર્દીઓને ઓક્સિજન આપવાની જવાબદારી રાજ્યોની છે. કોરોનાના મધ્યમ અને ગંભીર રોગીઓની સારવાર માટે પર્યાપ્ત અને અડચણ વિના મેડિકલ ઓક્સિજનની સપ્લાય જરૂરી છે.

નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં મહારાષ્ટ્ર સરકારે કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને જોતા મધ્યપ્રદેશને ઓક્સિજનની સપ્લાય રોકી દીધી હતી. આવનારા દિવસોમાં કોરોનાના વધતા કેસ અંગે ડબલ્યૂએચઓની ચેતવણી બાદ રાજ્ય સરકારે હોસ્પિટલોમાં 80 ટકા અને ઉદ્યોગોને 20 ટકા ઓક્સિજન સિલેન્ડર આપવાનો નિર્ણય કર્યો હતો.