Cyrus Mistry Car Accident Investigation: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના એક સહ-યાત્રીનું રવિવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મિસ્ત્રી અને તેમના એક સહ-યાત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો અને અકસ્માત થયો ત્યારે કાર ખૂબ જ સ્પીડમાં હતી. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડ્રાઈવરની 'મિસ્ટેક ઓફ જજમેન્ટ'ના કારણે આ અકસ્માત થયો હતો. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.










પોલીસના જણાવ્યા અનુસાર, મિસ્ત્રી જે લક્ઝરી કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે ખૂબ ઝડપે દોડી રહી હતી. જેણે પાલઘર જિલ્લાના ચરોટી ચેકપોસ્ટને પાર કર્યા પછી માત્ર નવ મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.


મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં સૂર્યા નદી પરના પુલ પર મિસ્ત્રીની લક્ઝરી કાર 'ડિવાઈડર' સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. તે સમયે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીર પંડોલે નામના વ્યક્તિનું મોત થયું હતું. જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જહાંગીરના ભાઈ ડેરિયસ ટાટા ગ્રુપના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર હતા, જેમણે મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવવાનો વિરોધ કર્યો હતો. આ અકસ્માત બપોરે 2.30 કલાકે થયો હતો. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી.


પોલીસ અધિકારીએ જણાવ્યું હતું


અધિકારીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ મુજબ, અકસ્માત સમયે કાર ખૂબ સ્પીડમાં હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને લોકોએ સીટ બેલ્ટ પહેર્યા ન હતા. ચરોટી ચેકપોસ્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતાં પાલઘર પોલીસને જાણવા મળ્યું કે કાર બપોરના 2.21 વાગ્યે પોસ્ટ પરથી પસાર થઈ હતી અને અકસ્માત 20 કિમી આગળ (મુંબઈની દિશામાં) બપોરે 2.30 વાગ્યે થયો હતો.


પીએમ મોદી સહિત દેશની અનેક હસ્તીઓએ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ, મિસ્ત્રીના મૃતદેહનું આજે મુંબઈની જેજે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ શકે છે. આ પછી અંતિમ સંસ્કાર માટે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.