નવી દિલ્હીઃ શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ સાથે મધ્યસ્થીઓ સતત વાતચીત કરી રહ્યા છે. શુક્રવારે ત્રીજા દિવસે તેમણે શાહીનબાગ પહોંચી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી. સંજય હેગડે અને સાધના રામચંદ્રને પ્રદર્શનકારીઓને કહ્યું કે, તમે ફક્ત એક રસ્તો બંધ કર્યો તો બીજો રસ્તો કોણે બંધ કર્યો છે? શુક્રવારે પણ શાહીનબાગના પ્રદર્શનકારી સીએએ અને એનઆરસીને પાછા લેવા પર અડગ રહ્યા છે અને ત્રીજા દિવસે પણ વાતચીત નિષ્ફળ રહી હતી.


સાધના રામચંદ્રને કહ્યું કે, અમે આજે નોઇડાથી દિલ્હી આવતા અન્ય રસ્તાઓ જોયા. અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું કોઇ અન્ય વૈકલ્પિક રસ્તો હોઇ શકે છે. આ દરમિયાન અમે જોયું કે નોઇડાથી ફરીદાબાદનો રસ્તો પણ પોલીસે બંધ કરી રાખ્યો છે જ્યારે તેને શાહીનબાગ સાથે કાંઇ લેવાદેવા નથી. અમારા કહેવા પર પોલીસે આજે એ રસ્તો ખોલ્યો પરંતુ જાણવા મળ્યું કે પોલીસે થોડા સમય બાદ તેને ફરીથી બંધ કરી દીધો હતો.

સીએએના વિરોધમાં શાહીનબાગમાં બેસેલી એક મહિલાએ કહ્યું કે, મધ્યસ્થીઓ સીએએ અને એનઆરસી પર વાત કરી રહ્યા નથી. તેઓ ફક્ત રસ્તો ખોલાવ્યા આવ્યા છે. તેમને અમારી પરેશાની સાથે કાંઇ લેવાદેવા નથી. સાધના રામચંદ્રને તેમને રસ્તા પરથી હટીને કોઇ અન્ય જગ્યાએ પ્રદર્શન કરવાનો વિકલ્પ શોધવા કહ્યું જેના પર એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું કે, જ્યારે આસપાસના અનેક રસ્તાઓ ખુલ્લા છે તો તેઓ આ રસ્તા પરથી હટવા માટે કેમ કહી રહ્યા છે. આ દિલ્હી-નોઇડાને જોડનારો ફક્ત એક રસ્તો નથી.