Twin Towers Demolition: નોઈડા સ્થિત ટ્વિન ટાવર આખરે 12 સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયું છે. જે બિલ્ડીંગને બનાવવા માટે 13 વર્ષનો સમય લાગ્યો તે જ બિલ્ડીંગ 12 સેકન્ડમાં ભૂતકાળ બની ગઈ છે. બિલ્ડીંગમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને એક સાથે વોટરફોલ સ્ટાઈલમાં આ ટ્વિન ટાવરને (Twin Tower) પાડવામાં આવ્યા હતા. આ બિલ્ડીંગ પડ્યા બાદ ચારે તરફ કાટમાળના ધુમાડાના વાદળો ઉઠ્યા હતા. જ્યારે આ ટ્વિન ટાવરને તોડવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ એક મોટો ધડાકો સાંભળ્યો હતો. લોકોને ધરતીકંપનો પણ અનુભવ થયો હતો. જોતાં-જોતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા.
મળી રહેલા લેટેસ્ટ અપડેટ મુજબ ટ્વિન ટાવર તોડી પાડ્યા બાદ કોઈ પણ જાનહાની થઈ નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયેલું સમગ્ર આયોજન બરાબર રીતે કામ કર્યું હતું.
ધૂળને ઓછી કરવાનો પ્રયત્નઃ
ટ્વિન ટાવરમાં ધડાતો થતાં જ સમગ્ર બિલ્ડીંગ આંખના પલકારામાં નીચે પડી ગઈ હતી. પરંતુ કાટમાળની ધૂળના વાદળો ચારે તરફ છવાઈ ગયા હતા. હાલ ધૂળને ઓછી કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જો કે, આ ધૂળને કાબૂ કરવા માટે પહેલેથી જ સ્મોક ગન તૈનાત કરવામાં આવી હતી જેનો સહારો હવે ધૂળના સામ્રાજ્યને ઓછું કરવા થઈ રહ્યો છે. આ સિવાય પાણીનો છંટકાવ પણ કરાઈ રહ્યો છે.
ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ પર પહોંચીઃ
ઘટના સ્થળ પર ટ્વિન ટાવરના કાટમાળને જલ્દીથી હટાવવા માટે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ પહોંચી ગઈ છે. ટીમને આશા છે કે, 1 કલાકમાં જ આસપાસના રોડ પર ફેલાયેલો સમગ્ર કાટમાળ હટાવી દેવામાં આવશે.