ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી હતી. વાહનચાલકોને હેલ્મેટ પહેરવાના કાયદાનું પાલન કરે એ માટે ટ્રાફિક પોલીસે અનોખો જુગાડ શોધ્યો હતો. આ પહેલાં ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરનારા લોકોને ગુલાબ આપીને શરમાવતી હતી, પરંતુ આ વખતે પોલીસે કંઈક અલગ કર્યુ છે.

ભોપાલ પોલીસે બાઇક પર હેલ્મેટ ન પહેરનારા લોકોને બાજુમાં બેસાડીને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા કરી હતી. નિબંધ માટેનો વિષય હતો - 'મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું'. માર્ગ સલામતી સપ્તાહના અભિયાનમાં પોલીસે તમામ ટુ-વ્હિલર સવારો અને ફોર વ્હિલર ડ્રાઇવરો કે જેમણે હેલ્મેટ નથી પહેર્યું અને સીટ બેલ્ટ નથી બાંઘ્યો તેમને અટકાવ્યા હતા. 'મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું' તેના પર 100-શબ્દોનો નિબંધ લખવા આપ્યો હતો.

જાતે જ આ વિશે લખતી વખતે લોકોને પોતાની મેળે ભાન પડે કે હેલ્મેટ પહેરવું કેટલું મહત્ત્વનું છે એ સમજાવવાનો પોલીસનો પ્રયાસ હતો. છેલ્લા છ દિવસમાં પોલીસે 150 લોકોને બેસાડીને નિબંધ લખાવ્યો હતો.