નવી દિલ્હીઃ જે લોકોએ પોતાના ખાતામાં 2.5 લાખથી વધારેની રકમ જમા કરાવી છે તેનો આવકવેરા વિભાગે નોટીસ મોકલવાનું શરૂ કરી દીધું છે. હેરાફીરીના સંદિગ્ધ લોકોને આ નોટિસ મોકલવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ આવા લોકો પાસેથી આવકના સ્ત્રોતની જાણકારી માગી રહ્યું છે ઉપરાંત બે વર્ષના ઇનકમ ટેક્સ રિટર્નની કોપી માગવામાં આવી રહી છે.


આવકવેરા વિભાગે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે, જેના એકાઉન્ટમાં નોટબંધી બાદથી મોટી રકમ જમા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે આ કાર્યવાહી એટલા માટે શરૂ કરી છે કારણ કે ઘણાં ખાતામાં અચાનકથી અઢી લાખ રૂપિયાની રકમ આવી ગઈ છે.

આવકવેરા વિભાગે દેશભરમાં 100 નોટિસ મોકલી છે. સિક્કિમની રાજધાની ગંગટોકની એક કંપનીને આવી જ એક નોટિસ મોકલવામાં આવી છે. કંપની પાસે વધારે રોકડ જમા કરાવવા પર જવાબ માગવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રાલયે પણ બેંકો અને પોસ્ટ ઓફિસને નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે કોઈપણ ખાતામાં એક દિવસમાં 50 હજાર અને નોટબંધી માટે નક્કી 50 દિવસમાં 2.5 લાખથી વધારે રકમ જમા થાય તો તેની જાણકારી આવકવેરા વિભાગને આપવામાં આવે.