હવે લગ્ન માટે પણ સરકારની મંજૂરી જરૂરી, જાણો શું અપાયો છે આદેશ?


પટનાઃ બિહારમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના બીજા લગ્નને લઈને નવા નિયમો બનાવ્યા છે. બિહાર સરકારે જાહેર નવા નિયમો અનુસાર, બિહાર સરકારમાં તૈનાત કરાયેલા કોઈપણ સ્તરના કર્મચારી માટે બીજા લગ્ન ત્યારે જ માન્ય ગણવામાં આવશે જ્યારે તેમણે તેના માટે સરકારની મંજૂરી લીધી હશે. જો બીજા લગ્નને પર્સનલ લૉ દ્વારા માન્યતા આપવામાં આવી હોય અને સરકાર પાસેથી મંજૂરી ન મળી હોય તો પણ આ લગ્ન માન્ય ગણાશે નહીં.


નિતિશ સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જો કોઇ પૂર્વ પતિ કે પત્ની જીવિત હોય છતાં અન્ય લગ્ન કરે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. ઉપરાંત, આવા લગ્નથી જન્મેલ બાળક અનુકંપા આધારિત નોકરી માટે કોઈપણ દાવા માટે હકદાર રહેશે નહીં.


સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સેવાના સમયગાળા દરમિયાન કોઈ પણ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય તો આવા બાળકની અનુકંપાનાં ધોરણે નિમણૂકની દરખાસ્ત યોગ્ય ગણવામાં આવશે નહીં. જો સરકારની પરવાનગી લીધા પછી બીજા લગ્ન કાયદેસર રીતે કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં પત્ની અને બાળકો અનુકંપા આધારીત નોકરી માટે હકદાર માનવામાં આવશે.


સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા અનુસાર, આમાં પણ પ્રથમ પત્નીનું સ્થાન પ્રથમ માનવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગ તરફથી આ અંગેનો આદેશ તમામ વિભાગોના વડાઓ, ડીજીપી, વિભાગીય કમિશનર અને તમામ જિલ્લાના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.


નિયમોનું પાલન કરવું જરૂરી છે


આવા કિસ્સાઓમાં સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. પ્રથમ પત્ની સિવાય  બીજી પત્નીની નિમણૂક અંગે વિચારણા કરવાની જરૂર હોય તો હયાત પત્ની વતી એનઓસી કે એફિડેવિટ આપવાની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ સરકારના આ નિર્ણયથી પારિવારિક સ્તરે ઘણી સમસ્યાઓ દૂર થશે.