સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, પશ્ચિમ શહેર મબંડાકામાં ઈબોલાના છ નવા મામલા સામે આવ્યા છે, જ્યારે ચાર લોકોના તેનાથી મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રી ઈટેની લોંગોડોએ કહ્યું કે, ઈબોલા વાયરસતી મબંડાકામાં ચાર લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ડોક્ટરની ટીમ અને દવાઓ મોકલવામાં આવી છે.
ડબલ્યુએચઓના મહાનિર્દેશક ટેડ્રોસે કહ્યું, કોંગોના સ્વાસ્થ્ય મંત્રાલયને ઈબોલા વાયરસના નવા મામલાની જાણકારી આપી છે. જે શહેરમાં ઈબોલા વાયરસના મામલા સામે આવ્યા છે ત્યાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. કોંગોમાં કોરોના વાયરસના 3000 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. ટેડ્રોસે કહ્યું, કોરોના અને ઈબોલા વચ્ચે પરસ્પર કોઈ સંબંધ નથી, જોકે બંનેના લક્ષણોમાં ઘણી સમાનતા છે.
ઈબોલોના લક્ષણોમાં શરૂઆતમાં અચાનક તાવ, નબળાઈ, માંસપેશીમાં દર્દ અને ગળામાં ખારાશ છે. જે બાદ ઉલ્ટી થવી, ઝાડા થઈ જવા અને રક્તસ્ત્રાવ પણ તેના લક્ષણો છે. વ્યક્તિઓમાં તેનું સંક્રમણ જાનવારો ખાસ કરીને ચામાચિડીયા, ચિંપાજી અને હરણ વગેરેના સંપર્કમાં આવવાથી થાય છે.
આ વાયરસની ઓળખ સૌથી પહેલા 1976માં કરવામાં આવી હતી. જે બાદ માર્ચ 2014માં પશ્ચિમ આફ્રિકામાં તેના નવા મામલા મળ્યા. આ વાયરસથી અત્યાર સુધીમાં 2275 લોકોના મોત થયા છે.