નવી દિલ્હીઃ ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુંબઈથી આ વૈજ્ઞાનિક થોડા દિવસો પહેલા દિલ્હી આવ્યા હતા અને રવિવારે સવારે તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ. વરિષ્ઠ વૈજ્ઞાનિકને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યા બાદ સમગ્ર બિલ્ડિંગને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે.


સૂત્રોના કહેવા મુજબ, બે દિવસ સુધી સમગ્ર બિલ્ડિંગમાં ફ્યૂમિગેશન થશે. વૈજ્ઞાનિક ગત સપ્તાહે બેઠકમાં સામેલ થયા હતા. જેમાં આઈસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.


વરિષ્ઠ વૈજ્ઞાનિકને ચેપ લાગ્યા બાદ બિલ્ડિંગમાં કામ કરતાં કર્મચારીઓને સંદેશ મોકલીને ઘરેથી કામ કરવાની અપીલ કરવામાં આવી છે. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર કોવિડ-19ની મુખ્ય ટીમ ખૂબ જરૂરી હોય તો જ આવી શકે છે, અન્ય લોકોએ ઘરેથી કામ કરવું જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,92,535 પર પહોંચી છે. 5394 લોકોના મોત થયા છે અને 91,819 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 93,322 એક્ટિવ કેસ છે.