નવી દિલ્લીઃ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ(AIIMS) ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા યથાવત હોવાની ચેતવણી આપી છે. જો કે તેમણે કોરોનાની બે રસી પછી ત્રીજા બૂસ્ટર ડોઝની ભારતમાં જરૂર નહી હોવાનો પણ  મત વ્યક્ત કર્યો છે.


કોરોનાની રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું કે, હાલ કોરોનાના કેસમાં વધારો દેખાઈ રહ્યો નથી, તેના પરથી સ્પષ્ટ છે કે, કોરોનાની રસીથી કોરોના વાઈરસની સામે હાલ પણ લોકોને  સુરક્ષા મળી રહી છે. આ કારણે કોરોનાની રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.


નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે પણ કહ્યું કે, કોરોનાના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજી રસી આપવા અંગેનો નિર્ણય વિજ્ઞાનના આધારે લેવો જોઈએ. બલરામ ભાર્ગવે કહ્યું કે, કોવિડ-19ની સામે સંરક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાતના સમર્થનમાં હાલ કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. તેમણે કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષમાં કોવિડ-19ની સામેની લડાઈમાં વૈજ્ઞાનિકો, સરકાર અને લોકોના કામમાં સ્પષ્ટતા તથા ગંભીરતા હતી. તેમણે કહ્યું કે રોગચાળામાંથી લોકોએ બોધપાઠ લીધો છે અને સ્વાસ્થ્ય સંબંધી માળખું મજબૂત થયું છે. આ સિવાય આપણે વિશ્વમાં તમામ વાઈરસ પર નજર રાખવી પડશે.


ડો. ગુલેરિયાએ કહ્યું કે,  દેશમાં કોવિડની પહેલી બે લહેર જેટલી તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું કે, હાલ સંક્રમણના કેસોમાં વધારો નથી થઈ રહ્યો તેના પરથી સ્પષ્ટ છે કે,  કોરોનાની રસી કોરોનાની રસી સામે અસરકારક સાહબિત થઈ છે તેથી હાલ ત્રીજી બૂસ્ટર રસીની કોઈ જરૂરિયાત નથી. તેમણે ઉમેર્યું કે, વિશ્વના ઘણા દેશોમાં ત્રીજી લહેરનો કહેર શરૂ થઈ ગયો છે તેથી ભારતે પણ ચેતવું જોઈએ.  તેમણે વધુમાં કહ્યું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી તીવ્રતા ધરાવતી હશે. તેમણે ચેતવણી પણ આપી કે,  સમયની સાથે મહામારી કાયમી રોગચાળાનું  રૂપ લેશે. કોરોનાના નવા નવા કેસ આવતા રહેશે પણ કોરોનાનો  પ્રકોપ ખૂબ ઘટી જશે.