નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં ચાર લાખ કરતાંથી વધારે સ્વાસ્થ્ય કર્મી અને ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવામાં આવી છે ત્યારે કોરોના રસીને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે વધુ એક રસીના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

એક્સપર્ટ સમિતિએ ભારત બાયોટેકની નાક વાટે લેવાની રસીના પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. નાક વાટે લેવાની રસીની વિશેષતા એ છે કે આ રસી એક જ વખત લેવાની રહેશે.

દેશમાં હાલમાં સીર ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. આ બન્ને રસી ઇન્જેક્શન મારફતે આપવામાં આવે છે અને બન્નેના બે ડોઝ લેવા જરૂરી છે.

ભારત સરકાર દ્વારા ભારત બાયોટેકને નાક વાટે લેવાની રસીના ટ્રાયલને મંજૂરી મળતા જ હવે નાગપુરમાં પ્રથમ અને બીજા તબક્કાનું ટ્રાલય શરૂ થશે. આ મામલે ભારત બાયોટેકના ડૉ. કૃષ્ણા ઈલ્લાએ જણાવ્યું કે નાક વાટે લેવાની રસી માટે કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે.

રિસર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રસી કોરોના સામેની લડાઇમાં સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. નાકથી અપાતી રસી ઇન્જેક્શનવાળી રસી કરતાં વધુ સારી છે. કંપની આ રસીની ટ્રાયલ ભૂવનેશ્વર, પૂણે, નાગપુર, હૈદરાબાદમાં કરશે. આ રસીના ટ્રાયલ માટે ૧૮થી ૬૫ વર્ષના અંદાજે ૪૦ ૪૫ વોલન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.