Prophet Row: ટીવી ડિબેટ શોમાં પયગંબર વિશે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદ હજુ પણ વધી રહ્યો છે. હવે હિન્દુ સેના (Hindu Sena) પ્રમુખ વિષ્ણુ ગુપ્તા (Vishnu Gupta) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સામે આવ્યા છે.
વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટને પત્ર અરજી મોકલી છે. આ લેટર પિટિશનમાં વિષ્ણુ ગુપ્તાએ કહ્યું છે કે, નૂપુરે શાસ્ત્રોમાં જે લખ્યું છે તે કહ્યું છે. હિંદુ દેવી-દેવતાઓ પર પણ ઘણી ટિપ્પણીઓ છે, પરંતુ હિંદુઓ હિંસા અને ઉપદ્રવ તરફ વલણ ધરાવતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પોતાની ટિપ્પણીથી એક રીતે ક્રૂર હત્યાને યોગ્ય ઠેરવી છે, તેણે પોતાની ટિપ્પણી પાછી ખેંચી લેવી જોઈએ. તેણે નૂપુરની સુરક્ષા પર વિચાર કરવાની વાત કરી છે અને તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે.
નૂપુર શર્મા સામે અનેક FIR
આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી અને નૂપુર શર્માની ફરીથી પૂછપરછ કરવા કહ્યું હતું. ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પર પ્રોફેટ મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણી કરવાનો આરોપ છે.આ મામલામાં તેની સામે અનેક FIR નોંધવામાં આવી છે.
આ તમામ FIRને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ સાથે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને જોરદાર ઠપકો આપ્યો હતો. આ સાથે તેણે દિલ્હી પોલીસ પર પણ આકરી ટીપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટમાંથી જામીન લેવા કહ્યું
સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને પૂછ્યું, "દિલ્હીમાં નોંધાયેલી FIR માં શું કાર્યવાહી કરવામાં આવી છે? અહીં, કદાચ પોલીસે તમારા માટે રેડ કાર્પેટ બિછાવી છે? તમને વિશેષ દરજ્જો મળી રહ્યો છે પરંતુ કોર્ટમાં આવો દરજ્જો મળશે નહીં. જાઓ. હાઈકોર્ટમાં જઈને તમારી વાત જણાવો, નીચલી કોર્ટમાંથી જામીન મેળવો."
પોલીસના જણાવ્યા અનુસાર, FIR નોંધાયા બાદ નુપુર શર્માને દિલ્હી પોલીસે નોટિસ મોકલી હતી અને 18 જૂનના રોજ તેણે પોતાનું નિવેદન નોંધ્યું હતું.
દેશની માફી માંગે નૂપુર શર્મા : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની વેકેશન બેન્ચે કહ્યું કે, "તેમને પોતાની જીભ પર નિયંત્રણ નથી અને તેણે ટેલિવિઝન ચેનલો પર બેજવાબદાર નિવેદનો આપીને સમગ્ર દેશને આગ લગાવી દીધી છે. છતાં તે 10 વર્ષથી વકીલ હોવાનો દાવો કરે છે. તેમણે તેમની ટિપ્પણી માટે તરત જ સમગ્ર દેશની માફી માંગવી જોઈતી હતી.”