નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. પેગાસસ, કૃષિ કાયદા સહિતના મુદ્દાઓ પર વિપક્ષ હંગામો કરી રહ્યું છે. જેના કારણે આજે પણ બંને સદનની કાર્યવાહી ચાલી નથી શકી. છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષ બંને  ગૃહમાં સરકારનો વિરોધ કરી રહ્યું છે.  કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ રજુ  કર્યું. જેના દ્વારા રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. વિરેન્દ્ર કુમારે 127મું સંવિધાન સંશોધન  બિલ રજુ કર્યું. 


127માં સંવિધાન સંશોધન બિલ   પર કોંગ્રેસ સહિત 15 વિપક્ષી દળોએ સમર્થન કર્યું. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે ઓબીસી સૂચિમાં નામ જોડવાનો અધિકાર રાજ્યોને આપવનારા બિલનું તમામ વિપક્ષી દળ સમર્થન કરશે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે આ સુધારા બિલને ટેકો આપીશું. અમારી માંગણી છે કે આ બિલ રજૂ કરવામાં આવે અને તે જ સમયે ચર્ચા આ બિલ પર ચર્ચા કરીને પાસ કરવામાં આવે.


શું છે આ 127મું સંવિધાન સંશોધન બિલ


આ 127મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાની રીતે ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકે. સંશોધન બિલ પાસ થયા બાદ રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડશે નહીં. 


રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે


આ બિલ બાદ  કાયદા બનશે ત્યારબાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે. આ બિલ કાયદામાં ફેરવાઈ જવાનો એ રાજ્યોમાં પ્રભાવશાળી જાતિઓને ફાયદો થશે જ્યાં ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગણી સતત થઈ રહી છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે.