ભુવનેશ્વર: કોરોના વાયરસની મહામારી સામે દેશ એકજૂટ થઈને લડી રહ્યો છે. દેશમાં લોકડાઉનના કારણે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. જેના કારણે લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રાઈવેટ શાળાઓને એપ્રિલથી જૂન સુધીમાં શાળા ફી ઘટાડવા અથવા મુલતવી રાખવા અપીલ કરી છે. ઓડિશા સરકારે લોકડાઉનની સમય મર્યાદા 30 એપ્રિલ સુધી વધાર્યા બાદ આ આદેશ આપ્યો છે.


કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને એપ્રિલથી જૂન સુધીની ફી માફી અથવા ઘટાડવાની વિચારણા કરવાની સલાહ આપી છે. મુખ્યમંત્રીએ આવકથી પ્રભાવિત માતાપિતાની સુવિધાની કાળજી લેવાની સલાહ આપી છે. આમ કરનારૂ ઓડિશા દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની શાળાઓ અને કોલેજોને 17 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યના વિવિધ સ્થળોએ વહીવટી અધિકારીઓએ ખાનગી શાળાઓને અપીલ કરી છે કે તેઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ ન કરે. આ અગાઉ 4 એપ્રિલે હરિયાણા સરકારે રાજ્યભરની તમામ ખાનગી શાળાઓને સૂચના આપી હતી કે લોકડાઉન પૂરૂ ન થાય ત્યાં સુધી શાળાના વાલીઓને ફી જમા કરાવવા દબાણ ન કરવું.