ભીલવાડાઃ  રાજસ્થાનના ભીલવાડા દેશમાં કોવિડ-19 સંક્રમિતથી મુક્ત થનાર પ્રથમ શહેર છે. જિલ્લા અધિકારીઓ દ્ધારા કોરોનાના કારણે આખા જિલ્લાને લોકડાઉન હેઠળ રાખ્યો. આ વચ્ચે કોરોના વાયરસના પ્રકોપ પર કાબૂ મેળવવા માટે ‘ભીલવાડા મોડલ’ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. વાસ્તવમાં ખતરનાક કોરોના વાયરસથી લડવા માટે રાજસ્થાનના આ જિલ્લામાં યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવ્યું. આ કારણ છે કે ભીલવાડા મોડલની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે. કોરોના વિરુદ્ધની લડાઇમાં ભીલવાડાના વહીવટીતંત્રએ શું કામગીરી કરી તેને લઇને ભીલવાડાની 26 વર્ષનીય એસડીએમ ટીના ડાબીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સૌ પ્રથમ અમે લોકોને વિશ્વાસમાં લીધા અને બાદમાં જિલ્લાને પુરી રીતે આઇસોલેટ કર્યો હતો. 19 માર્ચના રોજ અહી પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો હતો.

એટલે સુધી કે અમને એ વાતની જાણ કરવામાં આવી કે ઇટાલી સાથે અમારી તુલના કરવામાં આવશે અને તેને કોરોના વાયરસ હોટસ્પોટ કહેવામાં આવશે. દેશમાં અન્ય સ્થળોની જેમ તૈયારીઓ ચાલી રહી હતી અને મૂળભૂત ઉપાયો યોગ્ય હતા. આઇએએસ અધિકારી ટીના ડાબીએ બૃજેશ બાંગર હોસ્પિટલ અંગે વાત કરતા કહ્યું કે, આ હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીઓ આ ક્ષેત્રમાં સૌ પ્રથમ પોઝિટીવ નોંધાયા હતા. જિલ્લા વહીવટીતંત્રએ પુરી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો અને ભીલવાડાને બંધ કરી દીધું. 25 માર્ચના રોજ દેશવ્યાપી લોકડાઉન થયું. બે કલાકની અંદર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે કડક નિર્ણય લીધો કે આપણે કરફ્યુમાં જવાની જરૂર છે અને આપણે જિલ્લાને પુરી રીતે બંધ કરવાની જરૂર છે.

ડાબીએ કહ્યું કે, તમામ શહેરને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. લોકોને બહાર ન નીકળાની અપીલ કરવામાં આવી. લોકોનો ડર દૂર કરવા માટે તેમને સમજાવવામાં આવ્યા. એક કે બે દિવસની અંદર અમે એ પ્રકારની સિસ્ટમ ગોઠવી જેથી લોકોને અસુવિધા થાય નહીં. 2016 બેન્ચની આઇએએસ અધિકારીએ કહ્યુ કે, કોરોના સામેની લડાઇ તેમની ટીમ માટે સરળ નહોતી. પ્રથમ ત્રણ-ચાર દિવસો સુધી શહેર અને જિલ્લામાંથી અનેક કોલ મળી રહ્યા હતા. અમારા મગજમાં એક જ વાત હતી કે અમારે કોરોનાને રોકવાની જરૂર છે. કારણ કે અમે એક ટાઇમ બોમ્બ પર બેઠા હતા જે કોઇ પણ સંખ્યા સુધી પહોંચી શકતો હતો. કોરોના વાસ્તવમાં અનેક લોકો સુધી ફેલાવવાની શક્યતા હતા. વહીવટીતંત્રએ ડોર ટૂ ડોર લોકોને જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડી. જો લોકોએ અમને સહયોગ ના આપ્યો હોત તો અમે સફળ થયા ના હોત.