Odisha New CM Oath Ceremony: ઓડિશાના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, ઓડિશામાં શપથ ગ્રહણ સમારોહ સોમવારે (10 જૂન) સાંજે 6 વાગ્યે શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શપથ ગ્રહણ સમારોહ રાજભવનની જગ્યાએ ખુલ્લા મેદાનમાં યોજાશે. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો હાજર રહેશે.


ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ભવ્ય જીત મળી છે. ભાજપે 5 વખતના મુખ્યમંત્રી નવિન પટનાયકને સત્તા પરથી હટાવી દીધા છે. 147 બેઠકો ધરાવતી ઓડિશા વિધાનસભામાં ભાજપને 78 બેઠકો મળી છે. બીજીતરફ બીજેડીએ 51 સીટો જીતી છે. કોંગ્રેસે 14 વિધાનસભા બેઠકો જીતી છે. રાજ્યમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીના નામની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જો કે ભાજપ દ્વારા હજુ સુધી સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી. આ રેસમાં ઘણા નેતાઓ સામેલ છે.


ધર્મેન્દ્ર પ્રધાન સૌથી મોટા દાવેદાર 
ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ પ્રધાન છે અને તેઓ ઓડિશાના સંબલપુરથી સાંસદ પણ છે. તેમણે જ ઓડિશા અસ્મિતા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ 10 વર્ષથી કેન્દ્રમાં મંત્રી છે. તેમણે મોદી સરકારના છેલ્લા કાર્યકાળ દરમિયાન પેટ્રોલિયમ મંત્રાલય સંભાળ્યું હતું. તેમણે વર્ષ 2000માં ધારાસભ્ય તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 2004માં તેઓ ઓડિશાના દેવગઢથી સાંસદ બન્યા. જોકે, 2009માં તેઓ પલ્લાહરાથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. જે બાદ તેઓ બિહાર અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા. તેમણે બિહાર, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ચૂંટણી પ્રભારીની જવાબદારી પણ સંભાળી છે. ઓડિશાની ધરતીના આ પુત્રનું નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે.


લક્ષ્મણ બાગ પણ છે આ રેસમાં 
લક્ષ્મણ બાગ એવા નેતા છે જેમણે ઓડિશાના પાંચ વખતના મુખ્યમંત્રી નવિન પટનાયકને હરાવ્યા હતા. તેમણે બોલાંગીર જિલ્લાની કાંતાબંજી વિધાનસભા બેઠક જીતી છે. પટનાયકને હરાવ્યા બાદ લક્ષ્મણ બાગ રાતોરાત ઘરે ઘરે જાણીતા થઇ ગયા છે. લક્ષ્મણ બાગ ઓડિશાના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેણે પોતાનું જીવન મજૂર અને ટ્રક ડ્રાઈવર તરીકે વિતાવ્યું. બાદમાં તેણે પોતાનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો. પછી તેણે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. 2014ની ચૂંટણીમાં તેઓ ત્રીજા સ્થાને હતા. 2019માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર સામે માત્ર 128 મતોના માર્જીનથી હારી ગયા હતા. પરંતુ 2024ની ચૂંટણીમાં તેણે નવો રેકોર્ડ બનાવ્યો. તેમણે કામદારોના સ્થળાંતરને મોટો ચૂંટણી મુદ્દો બનાવ્યો. હવે તેઓ સીએમ પદની રેસમાં છે.