Train Crash in Balasor (Odisha) : ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી રેલ દુર્ઘટનાની યાદીમાં સામેલ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં લગભગ 278 લોકોના મોત થયા હતા, જ્યારે 1200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગશે કે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમને આવા 40 મૃતદેહો મળ્યા હતા જેના પર કોઈ ઈજાના નિશાન નથી. 


આ 40 લોકોના મોત કેવી રીતે નિપજ્યા તે અંગે તપાસ એજન્સીઓ મુંઝવણમાં છે. તેનો જવાબ પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં મળે છે.


બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં, કોરોમંડલ એક્સપ્રેસમાંથી મળી આવેલા લગભગ 40 મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી, જે એક ખુબ જ ચોંકાવનારું છે. ડોકટરો અને તપાસ એજન્સીઓનું માનવું છે કે, તેમના મોત વીજ કરંટથી થયા હતાં. ખુદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ આ અંગે જાણકારી આપી છે. બાલાસોરના જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર દર્શાવે છે કે, અકસ્માત બાદ ઓવરહેડ વાયર તૂટવાથી મુસાફરોને વીજળીનો કરંટ લાગ્યો હતો અને તેમના કેટલાક કોચમાં જ ફસાઈ ગયા હતા. જેના કારણે તેમના મોત નિપજ્યા હતાં. 


પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી કુમાર નાયકે એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, ઓવરહેડ વાયરના સંપર્કમાં આવ્યા બાદ ઇજાઓ અને વીજ કરંટથી ઘણા મુસાફરોના મોત થયા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દુર્ઘટના બાદ કોચ પલટી જવાને કારણે વીજ થાંભલા પડી ગયા, જેનાથી ઉપરથી જતા વાયરો તૂટી ગયા હતાં.


સીબીઆઈ કરી રહી છે તપાસ 


ઉલ્લેખનીય છે કે, ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોનો અકસ્માત થયો હતો. જેમાં હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને પાર્ક કરેલી માલસામાન ટ્રેનને અકસ્માત થયો હતો. હાલમાં સીબીઆઈએ મંગળવારે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જે પણ દોષિત હશે તેમને માફ કરવામાં આવશે નહીં. પીડિત પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. સાથે જ અકસ્માતમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. તબીબોની ટીમ 24 કલાક એલર્ટ પર છે. ઘણા મુસાફરોને બસમાંથી તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા છે.