Balasore Accident Case : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સહિત 7 રેલવે કર્મચારીઓને ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા ખાતે ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ સીબીઆઈ દ્વારા રેલવેના 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં 294 લોકોના મોત થયા હતા જ્યારે 1200થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 


સાઉથ-ઈસ્ટર્ન રેલવે (SER)ના જનરલ મેનેજર અનિલ કુમાર મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે, તમામ સાત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના જનરલ મેનેજર અને ડીઆરએમએ બહાનાગા બજાર અને બાલાસોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ આ વાત બહાર આવી હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે ગોપીનાથપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.


અત્રે નોંધનીય છે કે સીબીઆઈએ રેલવેના ત્રણ અધિકારીઓ- વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી. તેમની સામે CrPCની કલમ 304 અને 201 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.


ત્રણેયને સીબીઆઈ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જેણે આ અકસ્માત માટે ત્રણ રેલવે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત, તેઓએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.






સાઉથ ઈસ્ટર્ન સર્કલના કમિશનર ઑફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ)ના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બહાનાગા સ્ટેશન પર જીવલેણ ટ્રેન દુર્ઘટના ભૂતકાળમાં ઉત્તર સિગ્નલ ગૂમટી (સ્ટેશનના) પર કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ક્ષતિઓને કારણે થઈ હતી. 


નોંધનીય છે કે, દેશના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાં 294 જેટલા લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,200 લોકો ઘાયલ થયા હતા. બે સુપરફાસ્ટ ટ્રેનો - શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ - અને એક માલસામાન ટ્રેન 2 જૂનની રાત્રે વિચિત્ર અથડામણનો ભોગ બની હતી. 


આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવો હુંકાર ભર્યો હતો. આ રેલ દુર્ઘતના ભારતીય રેલવેના ઈતિહાસની સૌથી ગંભીર રેલવે દુર્ઘટના ગણાવવામાં આવી હતી. દુનિયાભરમાં આ રેલ દુર્ઘટનાની નોંધ લેવાઈ હતી.