Coromandel Express Accident: ઓરિસ્સાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જવાને કારણે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. એક પ્રત્યક્ષદર્શીએ કલિંગા ટીવી સાથે વાત કરતા કહ્યું કે, "અમે ટ્રેનમાં બેઠા હતા. અચાનક કોચ ઝડપથી ધ્રૂજવા લાગ્યો અને તે પલટી ગયો. મારા ગામના ઘણા લોકો અકસ્માત બાદ મળી રહ્યા નથી. અમને ખબર નથી કે અકસ્માત કેવી રીતે થયો?


 






અકસ્માત સમયે ટ્રેનમાં સવાર ગોવિંદ મંડલ નામના અન્ય એક મુસાફરે ન્યૂઝ18 બાંગ્લાને કહ્યું કે, "અમને લાગ્યું કે અમે મરી જઈશું. અમે તૂટેલી બારીની મદદથી ડબ્બાની બહાર નીકળ્યા. મેં બધી આશા છોડી દીધી હતી. હું તેવા થોડા મુસાફરોમાંથી છું જેઓ તૂટેલી બારીમાંથી બહાર નીકળવામાં સફળ થયા. અમને પ્રાથમિક સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવ્યા. હું ખતરાની બહાર છું પણ મેં કેટલાક ઘાયલ લોકોને જોયા છે જેમની હાલત ખૂબ જ ખરાબ છે.


આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયા છે


તમને જણાવી દઈએ કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 50 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. NDRFના 3 યુનિટ, ODRAFના 4 યુનિટ અને 60 એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. દુર્ઘટના બાદ અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવાની સાથે ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.


 






મુખ્યમંત્રીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી 


રેલ્વે દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. હેલ્પ નંબર પણ જારી કરવામાં આવ્યા છે. રેલવેની ટીમ ઘાયલોને બચાવવા અને હોસ્પિટલ પહોંચાડવાના તમામ પ્રયાસો કરી રહી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ઘટનાની જાણકારી લેવા અને બચાવ કામગીરી માટે SRC કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે મેં આ દુ:ખદ ટ્રેન દુર્ઘટનાની સ્થિતિની માત્ર સમીક્ષા કરી છે. હું કાલે સવારે સ્થળની મુલાકાત લઈશ.