DELHI : યાસીન મલિકની સજા પર સવાલ ઉઠાવનાર ઇસ્લામિક સહયોગ સંગઠનને ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું કે યાસીન મલિક કેસમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના નિર્ણયની ટીકા કરતી ટિપ્પણી અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલય (MEA) એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે OIC ના સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર આયોગ (IPHRC) એ યાસીન મલિકની આતંકવાદી ગતિવિધિઓ માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. યાસીન મલિકને આનાટકવાદી ગતિવિધિઓના સંદર્ભમાં જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આતંકવાદને યોગ્ય ન ઠેરવો : ભારત સરકાર
વિદેશ મંત્રાલયે એક નિવેદન દ્વારા કહ્યું કે વિશ્વ આતંકવાદ પર ઝીરો ટોલરન્સ ઇચ્છે છે અને અમે OICને વિનંતી કરીએ છીએ કે આ બાબતને કોઈપણ રીતે યોગ્ય ઠેરવવામાં ન આવે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતે OIC-IPHRCની આજની ટિપ્પણીને નકારી કાઢી છે, જેમાં યાસીન મલિક કેસમાં નિર્ણયની ટીકા કરવામાં આવી હતી.
ભારતે કહ્યું કે ઇસ્લામિક હ્યોગ સંગઠન આતંકવાદનું સમર્થન ન કરે.
OICની વિંગે આ વાત કહી
ઇસ્લામિક જૂથની માનવાધિકાર પાંખે યાસીન મલિકને દોષિત ઠરાવની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તે વ્યવસ્થિત ભારતીય પૂર્વગ્રહ અને કાશ્મીરી મુસ્લિમો પરની સતાવણીને પ્રતિબિંબિત કરે છે. OIC-IPHRCએ યાસીન મલિકને કાશ્મીરી રાજકારણી ગણાવ્યો હતો અને તેના પર લેવાયેલી કાર્યવાહીને ખોટી ગણાવી હતી.
ભારત પર આરોપ લગાવતા, OIC એ તો ત્યાં સુધી કહ્યું હતું કે નિર્દોષ કાશ્મીરીઓ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનના આવા કૃત્યોનો હેતુ કાશ્મીરીઓને તેમના કાયદેસર અધિકારોથી વંચિત રાખવાનો છે. તે માત્ર ભારતીય ન્યાયની મજાક નથી, પરંતુ લોકશાહીના દાવાઓને પણ છતી કરે છે.