Aadhaar App: જો તમે હજુ પણ તમારા ફોનમાં જૂની mAadhaar એપ વાપરી રહ્યા છો, તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ટૂંક સમયમાં જ આ જૂની એપને કાયમ માટે બંધ કરવા જઈ રહ્યું છે. તેની જગ્યાએ યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એકદમ નવી અને હાઈ-ટેક આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. પાછલા કેટલાક સમયથી વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા અને લોકોને વધુ સારી સુવિધા આપવાના હેતુથી આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી યુઝર્સ કોઈપણ અડચણ વિના સુરક્ષિત રીતે તેનો ઉપયોગ કરી શકે. આ સમાચાર તમારા માટે એટલા માટે મહત્વના છે કારણ કે જૂની એપ ગમે ત્યારે કામ કરતી બંધ થઈ શકે છે.
છેલ્લા ઘણા વર્ષોથી લાખો લોકો પોતાના ફોનમાં આધાર કાર્ડ સાચવવા, QR કોડ બતાવવા કે E-KYC માટે જૂની mAadhaar એપનો ઉપયોગ કરતા હતા. પરંતુ, વારંવાર થતા ફેરફારોથી યુઝર્સમાં મૂંઝવણ ઊભી થતી હતી અને સાયબર છેતરપિંડી કરનારાઓ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા હતા. સ્કેમર્સ નવી એપના બહાને લોકોને થર્ડ-પાર્ટી લિંક મોકલીને ફસાવતા હતા. આ ડેટા લીક અને છેતરપિંડીના બનાવોને રોકવા માટે UIDAI હવે જૂની સિસ્ટમને સંપૂર્ણપણે હટાવીને નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહ્યું છે.
નવી આધાર એપમાં શું છે ખાસ?
નવી એપ યુઝર્સ માટે પહેલા કરતા વધુ સુરક્ષિત અને વાપરવામાં અનુકૂળ છે.
ઝેરોક્ષની ઝંઝટ ખતમ: હવે તમારે દરેક જગ્યાએ આધાર કાર્ડની ફિઝિકલ કોપી (ફોટોકોપી) આપવાની જરૂર નહીં પડે. આ એપ દ્વારા સીધું E-KYC કરી શકાશે.
લિમિટેડ ડેટા શેરિંગ: એપમાં QR કોડ અને 'ફેસ ઓથેન્ટિકેશન' (ચહેરો ઓળખવાની સુવિધા) આપવામાં આવી છે. એટલે કે, તમે ઈચ્છો તો સામેવાળી વ્યક્તિને માત્ર જરૂરી માહિતી જ શેર કરી શકો છો.
એક્સ્ટ્રા સિક્યોરિટી: ડેટાને વધુ સુરક્ષિત રાખવા માટે આમાં બાયોમેટ્રિક લોક અને ઓફલાઇન ઓળખ વેરિફિકેશન જેવા આધુનિક ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે, જેથી તમારો ડેટા સંપૂર્ણપણે તમારા કંટ્રોલમાં રહે.
આ પણ વાંચોઃ કામની વાત: આધાર કાર્ડમાં 14 જૂન સુધી ડોક્યુમેન્ટ્સ મફતમાં અપડેટ કરાવી લો, પછી ફી ચૂકવવી પડશે
ક્યાંથી ડાઉનલોડ કરશો અને કેવી રીતે વાપરશો?
UIDAI એ તમામ લોકોને ધીમે-ધીમે નવી એપ પર શિફ્ટ થવાની સલાહ આપી છે. તમે Google Play Store (એન્ડ્રોઇડ માટે) કે Apple App Store (આઇફોન માટે) પરથી આ નવી એપ ડાઉનલોડ કરી શકો છો.
ધ્યાનમાં રાખો કે જૂની એપમાંથી તમારો ડેટા આપોઆપ ટ્રાન્સફર નહીં થાય. નવી એપમાં તમારે તમારો મોબાઈલ નંબર અને જરૂર પડે ત્યાં તમારો આધાર નંબર નાખીને ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે.
નવી આધાર એપ માત્ર એક અપડેટ નથી, પરંતુ તે ભારતના ડિજિટલ ઓળખ માળખામાં એક મોટું પગલું છે. ભવિષ્યમાં હોટેલ ચેક-ઇન, એરપોર્ટ એન્ટ્રી કે સિમ કાર્ડ લેવા માટે આ નવી એપનો QR અને ફેસ ઓથેન્ટિકેશન ઉપયોગ ઘણો સમય બચાવશે. જોકે, જૂની એપ બંધ થવાની સત્તાવાર અંતિમ તારીખ હજુ જાહેર નથી થઈ, પરંતુ ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા માટે આજે જ નવી એપ ડાઉનલોડ કરી લેવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ ઘરના 5 સભ્યોનું આધાર હવે એક જ ફોનમાં! UIDAI એ લોન્ચ કર્યું એડવાન્સ વર્ઝન, અત્યારે જ કરો ડાઉનલોડ
