PM Modi Meet Olympic Athletes 15 August: દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2024ના રોજ એટલે કે ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ ખાસ અવસર પર પીએમ મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલા 117 ખેલાડીઓની ભારતીય ટુકડીને મળશે. મેડલ વિજેતા સહિત તમામ ખેલાડીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એટલું જ નહીં સમગ્ર ભારતીય ટીમને પીએમ આવાસની મુલાકાત માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


લાલ કિલ્લા પર પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પીએમ મોદી તેમના નિવાસસ્થાને તમામ ઓલિમ્પિક ખેલાડીઓને મળવાના છે. 2020 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનું આયોજન 2021 માં કૉવિડ રોગચાળાને કારણે કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય ટીમે કુલ 7 મેડલ જીત્યા હતા. તે સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઓલિમ્પિક ટુકડી સાથે ખાસ મુલાકાત કરી હતી અને ખેલાડીઓ સાથે ડિનર પણ કર્યું હતું.


પીએમ મોદી કરશે લન્ચ ? 
2021 દરમિયાન પીએમ મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગયેલા તમામ એથ્લિટ્સ સાથે ડિનર કર્યું હતું. આ વખતે તેમનું ભાષણ પૂરું કર્યા પછી વડાપ્રધાન 12 વાગ્યા પછી એથ્લિટ્સને મળશે. આવી સ્થિતિમાં વડાપ્રધાન ભારતીય ટીમના તમામ ખેલાડીઓ સાથે લંચ કરી શકે છે અને ચાની ચૂસકી લેતા જોવા મળી શકે છે. ગત વખતે જ્યારે પીએમ મોદી એથ્લિટ્સને મળ્યા હતા ત્યારે તેમની તસવીરો ખૂબ ચર્ચાનો વિષય બની હતી. તેણે નીરજ ચોપડા પાસેથી ભાલા ફેંક વિશે શીખ્યા અને બધા સાથે સારી રીતે હસી મજાક પણ કરી હતી. 


પહેલા ફોન પર વાત, હવે સામે આવીને વધારશે મનોબળ 
PM મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે મેડલ લાવનારા એથ્લેટ્સ સાથે વાત કરી છે અને તેમને શુભેચ્છા પાઠવી છે. ખાસ કરીને હૉકીના દિગ્ગજ પીઆર શ્રીજેશ સાથેની તેની વાતચીત વાયરલ થઈ હતી. શ્રીજેશ બ્રૉન્ઝ મેડલ વિજેતા ભારતીય હૉકી ટીમનો ભાગ હતો અને હવે તે નિવૃત્ત થઈ ગયો છે. ફોન પર વાત કરતી વખતે પ્રધાનમંત્રીએ શ્રીજેશને યાદગાર કારકિર્દી માટે અભિનંદન આપ્યા અને તેને ભારતની આગામી હૉકી ટીમ તૈયાર કરવા માટે પણ વિનંતી કરી. આ સિવાય તેણે માત્ર 21 વર્ષની ઉંમરમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર અમન સેહરાવતની પ્રતિભાની ખૂબ પ્રશંસા કરી.


117 એથ્લિટોનું ભારતીય દળ પહોંચ્યુ હતુ પેરિસ 
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતે શૂટિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા હતા. મનુ ભાકરે શૂટિંગમાં 2 બ્રૉન્ઝ જીત્યા, સરબજોતસિંહે પણ મનુ સાથે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રૉન્ઝ શેર કર્યો. સ્વપ્નિલ કુસલેએ પણ પોતાના ઓલિમ્પિક ડેબ્યૂમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. તેમના સિવાય અમન સેહરાવતે કુસ્તી અને ભારતીય હૉકી ટીમમાં બ્રૉન્ઝ જીત્યો હતો. ભારત માટે સિલ્વર મેડલ લાવનારા નીરજ ચોપરા એકમાત્ર એથ્લેટ હતા. પીએમ મોદીએ આ તમામ ખેલાડીઓને ફોન પર અથવા સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.