વાસ્તવમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી બંન્ને નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. બંન્નેની અટકાયતને છ મહિના થઇ ગયા હતા. જેને વધારવા માટે હવે સરકારે પીએસએ એક્ટ લગાવ્યો છે. ઉમર અબ્દુલ્લાને હરિ નિવાસ અને મહબૂબા મુફ્તીને શ્રીનગરમાં એમ એ રોડ પર ડિપ્ટી મુખ્યમંત્રીના નિવાસ પર રાખવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, સવારથી સરકારે ગતિવિધિઓ તેજ કરી દીધી હતી કારણ કે છ મહિનાનો સમયગાળો પૂર્ણ થઇ ગયો હતો. પાંચ ઓગસ્ટના રોજ જે નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તેને આગળ વધારવા માટે સરકાર પાસે ખૂબ ઓછા વિકલ્પ હતા. આજે સવારે નેશનલ કોન્ફરન્સના જેનરલ સેક્રેટરી અલી મોહમ્મદ અને પીડીપીના સરતાજ મદનીને અગાઉ મુક્ત કરવામાં આવ્યા હતા અને બાદમાં ફરીવાર તેમની અટકાયત કરવામાં આવી છે અને આ બંન્ને પર પીએસએ લગાવી શ્રીનગરના એક બંગલામાં રાખવામાં આવ્યા છે.
તે સિવાય જે અન્ય નેતાને મુક્ત કરવામાં આવ્યા છે તેમના પર પીએસએ લગાવવામાં આવ્યો નથી પરંતુ ઘરોમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. જેમાં પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પીડીપીના વહીદ, પીડીપીના અબ્દુલ કય્યૂમ અને અન્ય નેતાઓને ગઇકાલે મુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી કલમ 370ને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ બંન્ને નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા.