નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA)હેઠળ અટકાયતમાં રાખવાના વિરૂદ્ધમાં તેમના બહેન સારા અબ્દુલ્લા પાયલટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે, જેના પર વિચાર કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે.


સારાએ ઉમરને પાંચ ફેબ્રુઆરીના પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ રાખવાના આદેશને અસંવૈદાનિક ગણાવ્યો અને કહ્યું કે આ મૌલિક અધિકારીનું ઉલ્લંઘન છે. સારા અબ્દુલ્લાએ પોતાની અરજીમાં કહ્યું, જ્યારે તેમના ભાઈ છુટવાના હતા ત્યારે અરજીકર્તાઓને અચાનક તેમના પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ફરી અટકાયતમાં રાખવાની ખબર પડે છે. ઉમર છેલ્લા ઘણા મહિનાઓથી પૂરી રીતે બંધ રાજ્યમાં અટકાયતમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલ્લા 5મી ઓગસ્ટ,2019ના રોજ CRPCની કલમ-107 હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ કાયદા હેઠળ ઉમર અબ્દુલ્લાની છ મહિનાથી કરવામાં આવેલી અટકાયતની અવધી ગુરુવાર એટલે કે 5 ફેબ્રુઆરી,2020ના રોજ પૂર્ણ થઈ હતી, જોકે 5 જાન્યુઆરીના રોજ સરકારે જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લાગુ કર્યો હતો.

પોલીસે ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત કસ્ટડીમાં રાખવાના કારણો ડોઝિયરમાં જણાવ્યા હતા. પોલીસે ડોઝિયરમાં લખ્યું કે ઉમર અબ્દુલ્લાનો જનતા પર ખાસ્સો પ્રભાવ છે તેઓ કોઇ પણ કારણ માટે લોકોની ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. પોલીસે કહ્યું કે મહેબૂબાએ રાષ્ટ્રવિરોધી નિવેદનો આપ્યા છે અને તે અલગાવવાદીઓના સમર્થક છે.