Omicron Variant: કોરોના વાયરસના નવા વેરિયંટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. કોરોના વાયરનસા આ વેરિઅન્ટનો અટકાવવા ગુજરાત સહિત અડધો ડઝન જેટલા રાજ્યોએ તૈયારી શરૂ કરી દીધી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ સરકારોએ આ અંગે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગુજરાતમાં વિદેશથી આવતાં મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. કેંદ્રની સૂચના બાદ સુરત મહાનગર પાલિકા પ્રશાસન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં યુકે સહિત 13 દેશોમાંથી સુરતમાં આવેલા યાત્રીઓની સંખ્યા વધીને 351 થઈ ગઈ છે. જેમાંથી જ્યા નવા વેરિએંટના વધુ કેસ છે તેવા નવ પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરંટાઈન કર્યા છે. એટલુ જ નહી જેમાંથી 78 લોકોના આરટી પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.જેમનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,03,859 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4350 કેસ નોંધાયા છે અને 19 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 122,41,68,929 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 42,04,171 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 80 હજાર 832
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 8 હજાર 183
- એક્ટિવ કેસઃ 1 લાખ 3 હજાર 859
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 790