આગ્રાઃ દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ભારતની મોદી સરકાર પણ આ નવા વેરિઅન્ટને લઈ સતર્ક બની છે અને રાજ્યોને કડક પગલાં લેવાની સૂચના આપી છે. આ દરમિયાન વૃંદાવનમાં ચાર વિદેશી પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચ્યો છે. આ તમામ લોકો થોડા દિવસ પહેલા ગિરધર છાયા આશ્રમમાં આવ્યા હતા. આ પહેલા અહીંયા ત્રણ વિદેશીને પણ કોરોના થયો હતો. જેને લઇ હાલ તંત્ર દ્વારા આશ્રમને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.  જે વ્રજમાં આ સીઝનનો પ્રથમ કન્ટેનમેન્ટ ઝોન છે.


વૃંદાવનમાં કોરોના સંક્રમિત વિદેશીઓ મળવાથી સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. વૃંદાવનમાં ગિરધર છાયા આશ્રમની આસપાસ આવેલા ગેસ્ટ હાઉસ, આશ્રમમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ થશે. જો કોઈ વ્યક્તિમાં તાવ, શરદી જેવા લક્ષણો હશે તો કોરોના ટેસ્ટ થશે. અહીંયા રહેતા તમામ વિદેશીઓના સેમ્પલ ટેસ્ટ કરાશે.


સીએમઓ ડો. રચના ગુપ્તાએ શું કહ્યું


સીએમઓ ડો.રચના ગુપ્તાના કહેવા મુજબ, કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં ટીમો કામ કરીછે. સંક્રમણ જ્યાંથી આવ્યું છે ત્યાં લોકોને સાવધાની રાખવાની અપીલ ચે. જો કોઈ પરેશાની હોય તો લોકો તાત્કાલિક નજીકના કેન્દ્ર પર જઈને કોરોના ટેસ્ટ કરાવે. ઉપરાંત જે લોકોએ વેક્સિન નથી લીધી તે પણ વહેલી તકે લઇ લે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ       


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6990 નવા કેસ નોંધાયા છે અને 190 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,116 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,00,543 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3382 કેસ નોંધાયા છે અને 59 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 123,25,02,767 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 78,80,545 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.



  • કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 87 હજાર 522

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 18 હજાર 299

  • એક્ટિવ કેસઃ 1 લાખ 543

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 980